અમેરિકાએ અપસેટ સર્જ્યો, બાંગ્લાદેશને હરાવીને પ્રથમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જીતી

મુંબઇ, અમેરિકા અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. આ સિરીઝને ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પહેલાની મહત્વની ગણવામાં આવી રહી છે. આ મેચમાં અમેરિકાએ એક મોટો અપસેટ સર્જ્યો છે.

કોરી એન્ડરસન અને હરમીત સિંહની શાનદાર ઇનિંગ્સની મદદથી અમેરિકાએ મંગળવારે પ્રથમ ટી ૨૦ ઇન્ટરનેશનલ મેચમાં ત્રણ બોલ બાકી રહેતા બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. હ્યુસ્ટનમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૩ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ અમેરિકાએ ૧૯.૩ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી.

અમેરિકા માટે આ જીત ઐતિહાસિક હતી કારણ કે બંને ટીમો વચ્ચે પ્રથમ ટી ૨૦ ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી હતી. અમેરિકાએ બાંગ્લાદેશ સામે પોતાની પ્રથમ જીત નોંધાવીને ઈતિહાસ રચ્યો હતો. ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ પહેલા તૈયારીની દ્રષ્ટિએ આ સીરીઝ બંને ટીમો માટે મહત્વપૂર્ણ છે. અમેરિકાએ પ્રથમ મેચ જીતીને ત્રણ મેચની ટી ૨૦ આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ ગુરુવારે હ્યુસ્ટનમાં રમાશે.