અમેરિકા : દુકાનો પર ‘નો આટા’નાં બોર્ડ, રોટલી વિના ભારતીયો પરેશાન, ફ્રોઝન રોટલી-પરાઠાના ભાવ બમણા, આગામી મહિને રાહતની આશા…

વોશિગ્ટન,

અમેરિકામાં રહેતા ભારતીય મૂળના લોકોને ઘરની રોટલીની યાદ આવી રહી છે. દુનિયાભરની સુવિધાઓ અને વાનગીઓના વિકલ્પ હોવા છતાં ગરમ રોટલી વિના બધું જ સ્વાદ વિનાનું લાગી રહ્યું છે. ખરેખર અમેરિકામાં લોટની અછત વર્તાઈ રહી છે જેના લીધે ભારતીયો પરેશાન છે. અમેરિકનો પર આ સંકટની અસર થઇ રહી નથી કેમ કે તેમને મેંદો પસંદ છે.

અહીં ભારતીય વસ્તુઓની અનેક દુકાનોએ ૧૦ દિવસથી ‘નો આટા’નાં બોર્ડ લગાવી દેવાયાં છે. રેશનિંગ જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે જ્યાં અમુક દુકાનદારો તેમના ગ્રાહકોને એકવારમાં લોટનું એક જ પેકેટ આપી રહ્યા છે. અમુક એવા પણ દુકાનદારો છે જે ત્રણ ગણા ભાવે લોટ વેચે છે.

ચાલુ વર્ષે એપ્રિલ-જુલાઈ ત્રિમાસિકમાં ભારતથી લોટની નિકાસ બમણી કરાઈ હતી. તેનાથી ભારતમાં કિંમતો વધવા લાગી હતી. વધતી કિંમતોને અંકુશમાં લાવવા મોદી સરકારે મે ૨૦૨૨માં ઘઉંની નિકાસ પર રોક લગાવી હતી. બાદમાં ઓગસ્ટમાં લોટની નિકાસ પર પણ રોક લગાવાઈ. પરિણામે દિવાળી પહેલાં અમેરિકામાં લોટની અછત સર્જાવા લાગી. આ અછત સાત અઠવાડિયાથી છે. બોસ્ટનમાં રહેતા શીના તેના ૧૫ મિત્રોને ભારતીય ભોજનની થેંક્સગિવિંગ પાર્ટી આપવા માગતા હતા. તેમણે ભારતીય વસ્તુઓની પાંચ દુકાનની મુલાકાત લીધી, પરંતુ લોટ ન મળ્યો.

એટલાન્ટામાં ૧૯૮૮થી ભારતીય વસ્તુઓની દુકાન ચલાવતા હર્ષ પટેલે ભાસ્કરને જણાવ્યું કે હું ૩૪ વર્ષથી અહીં દુકાન ચલાવી રહ્યો છું પણ લોટની આવી અછત ક્યારેય જોઈ નથી. લોકો અમારા પર ભડકે છે. શીના કહે છે કે હવે અમારો પરિવાર ફ્રોઝન રોટલી-પરાઠાના ભરોસે છે પણ તેની કિંમતો પણ બમણી થઈ ચૂકી છે.

સાન ફ્રાન્સિસ્કોમાં એનઆરઆઈ શ્રીકાંત કહે છે કે દુકાનદાર અનેક ગણી કિંમતોએ લોટ વેચી રહ્યા છે. જોકે અમુક દુકાનદારો ડરી ગયા છે. તેમને લાગે છે કે કોઈ ફરિયાદ કરશે તો જેલ જવું પડશે. અમેરિકાના કાયદા ગ્રાહકોના અધિકારોને લઈને અત્યંત કડક છે. અમેરિકામાં એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે ભારતે હવે લોટની નિકાસની મંજૂરી આપી છે. ડિસેમ્બર સુધી રાહતની આશા છે.

અમેરિકામાં દર વર્ષે ૩.૬૦ લાખ ક્વિન્ટલથી વધુ લોટનો વપરાશ થાય છે. તેના મોટા હિસ્સાની ભારત તરફથી નિકાસ કરાય છે. ભારતથી સપ્લાય બંધ થવાથી ફાયદો કેનેડાની કંપનીઓને થયો. ભારત અને કેનેડાના પટેલ બ્રધર્સ સ્ટોર ચેઈનના મેનેજરે કહ્યું કે સ્ટોરને લોટની અછત થવાનો અહેસાસ પહેલાથી થઈ ગયો હતો. તેમણે બીજી કંપનીઓને પહેલાથી એલર્ટ કરી દીધી હતી જેને લીધે કેનેડિયન કંપનીઓને તેમને જલદી સપ્લાય શરૂ કરી દીધો.