- ભારતે પોતાનું મોડલ અપનાવવાની જરૂર છે : આર.એસએસના વડા મોહન ભાગવત
મુંબઈ,
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે ભારતના વિકાસ મોડલ પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતે ચીન અને અમેરિકાની નકલ ન કરવી જોઈએ, તેણે પોતાના માર્ગ પર ચાલવું જોઈએ. આ માટે ભારતે પોતાનું મોડલ અપનાવવાની જરૂર છે. ભાગવત મુંબઈમાં ભારત વિકાસ પરિષદના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા. કાર્યક્રમને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં કામ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે ભારતનો વિકાસ કેવી રીતે સંભવ છે, એના વિશે જાણકારી આપી હતી. સંઘના વડાએ કહ્યું હતું કે ભારતનું વિઝન લોકોની પરિસ્થિતિ, સંસ્કાર, સંસ્કૃતિ, વિશ્વ દૃષ્ટિકોણ પર આધારિત હોવું જોઈએ. જો દુનિયામાંથી કંઈક સારું આવે તો એનું ચોક્કસ અનુસરણ કરવું જોઈએ, પરંતુ આપણી પ્રકૃતિ અને શરતોના આધારે જ કરી શકાય.
ભાગવતનું આ નિવેદન ’ભારત એક જિયો કલ્ચર કન્ટ્રી અને આપણી સંસ્કૃતિ આપણી એક્તાનો આધાર’ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહની ભાગીદારી પછી આવ્યું છે. ભાગવતે કહ્યું હતું કે ભારતની વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ, વ્યાકરણ, કળા અને સભ્યતાઓથી બનેલું છે.
તેમણે કહ્યું, હું આજે એક સંદેશ આપવા માગું છું કે વિશ્ર્વાસ અને પ્રેમ વચ્ચે સમાનતા છે, કારણ કે બંનેને બળથી પ્રાપ્ત કરી શકાતા નથી. કાશી તમિળ સંગમે બંને પ્રદેશો વચ્ચે વિશ્વાસ અને પ્રેમનું નવું વાતાવરણ ઊભું કર્યું છે. ભાગવતે વધુમાં કહ્યું હતું કે જો ભારતે દુનિયા પાસેથી શીખવાની જરૂર છે, તો દેશ ચોક્કસપણે શીખશે, પરંતુ એના મૂળભૂત સિંદ્ધાતો અને વિચારોને વળગી રહેશે.
આ દરમિયાન તેમણે ’રાષ્ટ્ર પ્રથમ’ના સિદ્ધાંતને પુનરાવતત કર્યો અને કહ્યું હતું કે ભારત વિવિધતામાં એક્તાની ભૂમિ છે. આપણા બંધારણે આપણને સામાજિક સુરક્ષા આપી છે અને તેથી રાષ્ટ્રએ આપણને જે આપ્યું છે એ આપણે ચૂકવવું પડશે. આપણે વિચારવું જોઈએ કે આપણે રાષ્ટ્રને શું અને કેવી રીતે ચૂકવી શકીએ. ભારત વિશ્વ ને જીતવા માટે નથી, પરંતુ લોકોને એક કરવા માટે છે. આપણાં લક્ષણો અને ગુણો વિશ્વમાં સંતુલન લાવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે વિકસિત થઈશું તો વિશ્વનો પણ વિકાસ થશે. એવામાં વિશ્વના દેશો વચ્ચે યુદ્ધ નહીં થાય. જો આપણે મજબૂત બનીશું તો ચીન, અમેરિકા અને રશિયા જેવા દેશોનું જોર પણ આડે નહીં આવે. આપણા કારણે બળનો ઉપયોગ કરનારાઓની શક્તિ કામ નહીં આવે, પરંતુ જો આ ભાઈચારો સ્થાપિત કરવો હોય તો આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.
અગાઉ ગયા ગુરુવારે સંઘના વડાએ ભારતને આપવામાં આવેલા ય્૨૦ અધ્યક્ષપદની પ્રશંસા કરી હતી. ભાગવતે કહ્યું હતું કે ય્૨૦ અધ્યક્ષતા માટે ભારત આવવું સામાન્ય બાબત નથી. વિશ્વને હવે ભારતની જરૂર છે. હવે વિશ્વ માં માત્ર ભારતની જ વાત થાય છે અને હવે વિશ્વને પણ વિશ્વાસ થઈ ગયો છે કે ભારત વિશ્વ નું નેતૃત્વ કરી શકે છે.
આપણે સમગ્ર વિશ્વને એક કરવા માટે બહુ દૂર સુધી જવું પડશે. ય્૨૦ અધ્યક્ષપદે દેશના લોકોનું મનોબળ વધાર્યું છે. લોકો સમજી ગયા છે કે ભારત વિશ્વ માં પાછળ નથી અને વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં આવી રહેલી જી ૨૦ અધ્યક્ષતા માત્ર શરૂઆત છે. આપણે હજી ઘણો લાંબો રસ્તો પાર કરવાનો છે. સમગ્ર સમાજે ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે કામ કરવું પડશે.