અમેરિકા-ચીનના વિમાન હવામાં આવ્યા સામ-સામે, ૧૦ ફૂટના અંતરથી ટક્કર થતાં રહી ગઇ

વોશિગ્ટન, તાઈવાન વિવાદ અંગે ચીન અને અમેરિકા વચ્ચેની ખેંચતાણથી સૌ કોઈ વાકેફ છે. આ દરમિયાન અમેરિકાએ દાવો કર્યો છે કે ચીનના દક્ષિણ ચીન સાગરમાં રુટીન ઓપરેશન દરમિયાન અમેરિકી વાયુસેનાના- બી ૫૨ વિમાનને ખોટી રીતે રોકવાનો પ્રયાસ કરાયો હતો.

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ચીનના જે-૧૧ વિમાનના પાયલટે ૨૪ ઓક્ટોબરે અમેરિકી વાયુસેનાના વિમાનને અનપ્રોફેશનલી રીતે રોકવાનો પ્રયાસ કર્યો હતો. ચીનના વિમાનની ઝડપ એટલી હતી કે એક સમયે બંને વચ્ચે માત્ર ૧૦ ફૂટનું જ અંતર રહી ગયું હતું.

અમેરિકાનો આરોપ છે કે ચીનનું આ વિમાન ઉડાવી રહેલો પાયલટ અત્યંત અસુરક્ષિત અને અનપ્રોફેશનલ રીતે અમેરિકી વિમાનની એકદમ નજીક આવી ગયું હતું અને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. બંને વિમાનોનું અંતર એટલી હદે ઓછું થઈ ગયું કે ટક્કર થઈ જવાનો ભય સર્જાયો હતો. અમેરિકી સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આ ઘટના રાતે બની હતી. તે સમયે વિઝિબિલિટી પણ મર્યાદિત હતી. આ કૃત્ય આંતરરાષ્ટ્રીય હવાઈ સુરક્ષા નિયમોથી વિપરિત છે.