અમેરિકા, ચીન જેવી મહાસત્તા નહીં પણ ભારતે વિશ્ર્વગુરુ બનવાનું છે : આરએસએસ પ્રમુખ

નવીદિલ્હી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે વિશ્ર્વગુરુ બનવા માટે ભારતે વેદોના જ્ઞાન અને પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ રુઢિવાદી નથી પણ સમય સાથે બદલાતી રહી છે અને એવી નથી કે જે આપણને કહે કે શું ખાવું અને શું ન ખાવું. તેમણે કહ્યું કે ભારતનું નિર્મણ વેદોના મૂલ્યો પર થયું છે જેનું પેઢી દર પેઢી અનુસરણ કરાયું

તેમણે કહ્યું કે એટલા માટે જ આજના ભારતે પ્રગતિ કરવી છે પણ અમેરિકા અને ચીન તથા રશિયા જેવી મહાસત્તા નથી બનવાનું જે શક્તિનો ઉપયોગ કરે છે. આપણે એક એવો દેશ બનવાનું છે જે આજના વિશ્ર્વની સમસ્યાઓનો ઉપાય જણાવી શકે. આપણે એક એવો દેશ બનવાનું છે જે વિશ્ર્વને યોગ્ય વ્યવહારના માયમથી શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનું પથ જણાવી શકે.

ભાગવતે કહ્યું કે ભારત એક એવો દેશ છે જે ધર્મના પ્રચાર-પ્રસાર કરવા, દરેકને એકજૂટ કરવા અને એક વિશ્ર્વગુરુ બનવામાં વિશ્ર્વાસ ધરાવે છે. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ પર ભારતના વલણની પ્રશંસા કરતા આરએસએસ પ્રમુખે કહ્યું કે બંને દેશ ઈચ્છે છે કે ભારત તેમની તરફેણ કરે પણ ભારતે એવું વલણ અપનાવ્યું કે તે બંને ભારતના મિત્ર દેશો છે એટલા માટે તે કોઈની તરફેણ નહીં કરે.