અમેરિકા ભારત સાથે આર્થિક સંબંધો વધારી રહ્યું છે, તેનો હેતુ ચીન પર નિર્ભરતા ઘટાડવાનો છે; નાણામંત્રી યેલેન

વોશિંગ્ટન, અમેરિકી નાણા મંત્રી જેનેટ યેલેને કહ્યું કે અમે એશિયા-પેસિફિક ક્ષેત્રમાં મુક્ત અને ખુલ્લા વેપાર માટે પ્રતિબદ્ધ છીએ. આ માટે અમે ભારત, વિયેતનામ અને મેક્સિકો જેવા ભાગીદાર દેશો સાથે વેપાર વધારીને ચીન પરની અમારી નિર્ભરતા ઘટાડવા માંગીએ છીએ.

યેલેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે તે આ મહિનાના અંતમાં કેલિફોર્નિયા માં રાષ્ટ્રપતિ જો બિડેન અને એશિયા-પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન દેશોના નેતાઓ સાથે મુલાકાત કરશે. બિડેન વહીવટીતંત્રની આ પહેલ એશિયા-પેસિફિકને લઈને આગળ વધવાની તેની વ્યૂહરચના સૂચવે છે. આ ક્ષેત્રમાં ગાઢ સંબંધો માત્ર અમેરિકાના ભવિષ્ય માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ મહત્વપૂર્ણ છે. યુનાઇટેડ સ્ટેટ્સ એશિયા-પેસિફિકની સમૃદ્ધિ, સુરક્ષા અને શાંતિ માટે પ્રતિબદ્ધ છે.

યુએસ નાણામંત્રીએ કહ્યું કે બિડેન વહીવટીતંત્ર વર્તમાન પડકારોનો સામનો કરીને તકોનો લાભ લેવા માંગે છે. અમે આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપીને ઉભરતી ટેક્નોલોજીના ટ્રાન્સફરનો પણ લાભ લેવા માંગીએ છીએ.

બીજી તરફ, નાણામંત્રી યેલેને કહ્યું કે બિડેન પ્રશાસન પણ વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન સાથે તેના આર્થિક સંબંધોને પાટા પર લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ અમે આ માટે માનવ અધિકાર અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમાધાન કરી શકીએ નહીં. આ માટે બંને પક્ષોએ પારદર્શક અને ન્યાયી બનવાની જરૂર છે.