અમેરિકાએ તાઈવાનને ૩૪૫ મિલિયન ડોલરનુ સૈન્ય સહાય પેકેજ આપવાની જાહેરાત કરી, ચીન ધૂંઆપૂંઆ.

વોશિંગ્ટન
અમેરિકાએ ફરી એક વખત ચીનની દુખતી નસ દબાવી છે અને ધૂંઆપૂંઆ થયેલા ચીને તેનો વળતો જવાબ પણ આપ્યો હતો.અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની સરકારે જાહેરાત કરી છે કે, અમેરિકા તાઈવાનને ૩૪૫ મિલિયન ડોલરનુ સૈન્ય સહાય પેકેજ આપવા જઈ રહ્યુ છે. આ પેકેજમાં ઘમા પ્રકારના હથિયાર, એન્ટી એરક્રાટ સિસ્ટમ, ઘાતક ડ્રોન સામેલ હશે.
વ્હાઈટ હાઉસે કયા પ્રકારના હથિયારો આપવામાં આવશે તેની ઝાઝી જાણકારી આપી નથી પણ મીડિયા રિપોર્ટમાં અમેરિકાના અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યુ છે કે, આ પેકેજમાં એન્ટી એરક્રાટ સિસ્ટમ પણ સામેલ છે.
ચીને હવે તેના પર પ્રતિક્રિયા આપતા કહ્યુ છે કે, જરુર પડી તો અમે તાઈવાનને ચીનમાં સમાવવા માટે બળપ્રયોગ કરતા પણ અચકાઈશું નહી. અમેરિકાએ તાઈવાનને હથિયારો વેચવાનુ બંધ કરવુ જોઈએ. જેથી તાઈવાન સ્ટ્રેટમાં તણાવ પેદા ના થાય. અમેરિકા આગ સાથે રમી રહ્યુ છે અને આ આગ અમેરિકાને ખુદને પણ ભસ્મ કરી શકે છે.

જોકે તાઈવાનને અવાર નવાર સહાય કરતુ અમેરિકા સત્તાવાર રીતે તાઈવાનને દેશ તરીકે સ્વીકારતુ નથી. હાલમાં દુનિયામાં ૧૩ જ દેશોએ તાઈવાનને દેશ તરીકે માન્યતા આપી છે. તાઈવાન પોતે અલગ અલગ દેશો સાથે ટ્રેડ ઓફિસ ખોલીને સંકળાયેલુ રહે છે અને તેમાં ભારતનો પણ સમાવેશ થાય છે.બીજી તરફ ચીને તાઈવાનને ડરાવવા માટે તેના દરિયાઈ અને હવાઈ વિસ્તારમાં યુધ જહાજો અને લડાકુ વિમાનોની ઘૂસણખોરી વધારી દીધી છે.