અમેરિકાના શિકાગોમાં સોમવારે એક ટ્રેનમાં જોરદાર ગોળીબાર થયો હતો. જેમાં ચાર લોકોના મોત થયા હતા. ગોળીબાર બાદ પોલીસે એક શકમંદની ધરપકડ કરી હતી, જ્યારે એક ભાગી જવામાં સફળ રહ્યો હતો.
પોલીસે જણાવ્યું કે તેમને સવારે ૯૧૧ ઈમરજન્સી હોટલાઈન પર કોલ આવ્યો હતો. આ પછી, તેઓ ફોરેસ્ટ પાર્ક રેલ્વે સ્ટેશન પહોંચ્યા, જ્યાં તેઓએ ત્રણ મુસાફરોના મૃતદેહ બહાર કાઢ્યા, જ્યારે એકને ઈજાગ્રસ્ત હાલતમાં મેવૂડના લોયોલા યુનિવસટી મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર બાદ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ દ્વારા શંકાસ્પદ ગુનેગારની અટકાયત કરવામાં આવી છે. તેની પાસેથી એક બંદૂક પણ જપ્ત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના અન્ય ઘટનાઓ કરતા અલગ હોવાનું જણાય છે. આનાથી સમુદાયને કોઈ ખતરો નથી.
તમને જણાવી દઈએ કે અમેરિકામાં ગોળીબાર દ્વારા હિંસા ફેલાવવી સામાન્ય બની ગઈ છે. અહીંના લોકો માટે બંદૂક રાખવી એ કોઈ મોટી વાત નથી. શિકાગો ટ્રાન્ઝિટ ઓથોરિટી અનુસાર શિકાગોમાં દરરોજ ત્રણ લાખથી વધુ લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. ગન વાયોલન્સ આર્કાઈવના રિપોર્ટ અનુસાર આ વર્ષે અમેરિકામાં ગોળીબારની ૩૭૮ ઘટનાઓ બની છે. જેમાં ૧૧ હજારથી વધુ લોકોના મોત થયા છે. જૂનમાં, યુ.એસ. સર્જન જનરલે બંદૂકની હિંસાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરતી અને તેના નિયંત્રણ માટે આહવાન કરતી એડવાઈઝરી જારી કરી હતી, પરંતુ વિરોધને કારણે તેને દબાવી દેવામાં આવી હતી.