અમદાવાદ, સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે વિપક્ષ દ્વારા સત્તા પક્ષને વિધાનસભામાં વિવિધ મુદ્દાઓ અને કામ અંગે સવાલ કરવામાં આવતા હોય છે. જ્યારે સત્તાપક્ષના ધારાસભ્યો પોતાના પક્ષના વખાણ કરવામાં લાગેલાં હોય છે. તેના સવાલો પણ જાણે સ્ક્રીપ્ટેડ અને સરકારની વાહ વાહી માટેના જ હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આ વાત કોઈ એક વિધાનસભાની કે કોઈ એક સરકારની નથી. લગભગ દરેક રાજ્યોમાં આ રીતે જ સરકારો ચાલતી આવી છે. જીસકી લાઠી ઉસકી ભેંસ… ત્યારે હાલમાં જ ગુજરાત કોંગ્રેસના એક પૂર્વ ધારાસભ્યએ કંઈક આવી જ વાતને લઈને જાહેરમાં ઘટસ્ફોટ કર્યો છે. અને ભાજપના ધારાસભ્ય પર આક્ષેપ કર્યો છેકે, ’અમે સરકારમાં છીએ એટલે બોલાતું નથી તમે બોલજોને’ ગૃહમાં.
હાલમાં જ ગોઝારિયામાં યોજાયેલા એક સમારોહમાં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જાહેર મંચ પરથી ભાજપની પોલી ખોલતા એવુ કહ્યું કે ‘વિધાનસભાનું સત્ર ચાલતું હોય ત્યારે ભાજપના ઘણાં ધારાસભ્યો કોંગ્રેસના ધારાસભ્યોને ચિઠ્ઠી આપી જાય છે અને અમને કહેતા હોય છે કે, પક્ષની શિસ્તને કારણે અમે ગૃહમાં કશું બોલી શક્તા નથી. તમે પ્રશ્ર્ન ઉઠાવજોને ’ આમ, ભાજપના ધારાસભ્યોની એવી ખરાબ દશા છે કે, તેઓ પ્રજાના પ્રશ્ર્નો પણ ઉઠાવી શક્તા નથી. અને તેમના પ્રશ્ર્નો પણ કોંગ્રેસના ધારાસભ્યો ઉઠાવે છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ જણાવ્યુંકે, અમે નાસ્તા-પાણી માટે જ્યારે વિધાનસભાની કેન્ટીનમાં જઈએ ત્યારે ભાજપના ધારાસભ્યો અમને ચીઠ્ઠી આપીને કહેતા હોય છેકે, અમે સરકારમાં બેઠા છીએ એટલે પ્રશ્ર્નો ઉઠાવાતી શક્તા નથી. તમે બોલશો તો પબ્લિકનું કામ થશે.
બળદેવજી ઠાકોરે મંચ પરથી એવો પણ આક્ષેપ કર્યો હતોકે, એવા નેતા કે ધારાસભ્યને ચૂંટવાનો શું અર્થ છે જે પોતાના વિસ્તારનો પ્રશ્ર્ન પણ ગૃહમાં ઉઠાવી શક્તો નથી. બીજી તરફ સમારોહમાં વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ એવી વાત કરી કે, ભાજપના ધારાસભ્યોને કાં તો ડર લાગે છે અથવા શરમ આવતી હશે એટલે જ ગૃહમાં બોલી શક્તા નથી. અન્યાય સામે ભાજપના ધારાસભ્યોનો હરફ ઉચ્ચારવાની ય તાકાત રહી નથી. સરકાર આજે બજેટની ફાળવણી કરે છે. વાસ્તવમાં ઓબીસીની વસ્તી આધારે બજેટની ફાળવણી કરવી જોઈએ. આમ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ બહુમતી હાંસલ કર્યા પછી ય ભાજપના ધારાસભ્યોની શું દશા છે તે વિશે લોકોને વાકેફ કર્યા હતાં.