વોશિગ્ટન, અમેરિકી વિદેશ વિભાગે કહ્યું છે કે અમે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતની તપાસની રાહ જોઈ રહ્યા છીએ. હકીક્તમાં, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરાની પણ ભારત દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં, અમેરિકાના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતની ગુપ્તચર એજન્સી રોના એક અધિકારી ભાગલાવાદી નેતાની હત્યામાં સામેલ હતા. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે આ અહેવાલને ફગાવી દીધો હતો.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે મીડિયા સાથે વાત કરી. આ દરમિયાન મેથ્યુ મિલરને ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરા અંગે ભારતની તપાસ વિશે પૂછવામાં આવ્યું હતું. આના પર મિલરે કહ્યું કે ’તેઓએ (ભારત સરકારે) આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવી છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. અમે પરિણામોની પણ રાહ જોઈ રહ્યા છીએ, પરંતુ અમે સ્પષ્ટ કર્યું છે કે આ એવી બાબત છે જેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને અમને લાગે છે કે તેઓએ પણ તેને ગંભીરતાથી લેવું જોઈએ.
અમેરિકાએ ગયા વર્ષે દાવો કર્યો હતો કે તેણે એક અમેરિકન નાગરિકની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય નાગરિક નિખિલ ગુપ્તા પર આ હત્યામાં કથિત રીતે કાવતરું ઘડવાનો આરોપ હતો. નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી અને અમેરિકા નિખિલ ગુપ્તાને અમેરિકા પ્રત્યાર્પણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાએ દાવો કર્યો હતો કે જે અમેરિકન નાગરિકની હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું તે ગુરપતવંત સિંહ પન્નુ છે. પન્નુ અમેરિકન કેનેડિયન નાગરિક અને ખાલિસ્તાની નેતા છે. પન્નુને ભારતમાં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે અને તે અનેક કેસોમાં વોન્ટેડ છે.
તાજેતરમાં જ વોશિંગ્ટન પોસ્ટના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતની ગુપ્તચર એજન્સી ઇછઉનો એક અધિકારી સામેલ હતો. મીડિયા રિપોર્ટમાં રો ઓફિસરનું નામ પણ સામે આવ્યું હતું. જો કે, ભારતના વિદેશ મંત્રાલયે આ અહેવાલને તથ્યહીન અને પાયાવિહોણો ગણાવ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારતે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે અને તે તપાસ કરી રહી છે.