
નવીદિલ્હી, તેલંગાણા વિધાનસભા ચૂંટણીનો મોરચો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંભાળી લીધો છે. રાજ્યમાં રેલીને સંબોધતા તેમણે મહિલાઓ માટે ૪૦૦૦ રૂપિયાના માસિક પેકેજની જાહેરાત કરી દીધી હતી. તેમણે વાયદો કર્યો કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને તેમના પરિવાર દ્વારા ચોરાયેલા દરેક પૈસાની વાપસી સુનિશ્ચિત કરશે.
કોંગ્રેસ નેતાએ એ વાત પર ભાર મૂક્યો કે કેસીઆર પરિવારે એક લાખ કરોડ રૂપિયાની વધુની લૂંટ ચલાવી છે. તેમણે કેસીઆર પરિવાર પર કાલેશ્ર્વરમ પ્રોજેક્ટથી પૈસા બનાવવાનો આરોપ મૂક્યો હતો. આ પ્રોજેક્ટ કેસીઆર માટે એટીએમ જેવી છે. રાહુલે કહ્યું કે આ મશીનને ચલાવવા માટે તેલંગાણાના દરેક પરિવારે ૨૦૪૦ સુધી વાર્ષિક ૩૧૫૦૦ રૂપિયા ચૂકવવા પડશે. તેલંગાણાના લોકોને આશ્વાસન આપતાં રાહુલ ગાંધીએ વાયદો કર્યો કે કોંગ્રેસ કેસીઆરની સરકાર દ્વારા ચોરાયેલા તમામ પૈસાનો હિસાબ લેશે અને સામાન્ય લોકોના બેન્ક ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કરાશે.
રાહુલ ગાંધીએ તેલંગાણાની મહિલાઓ માટે ખાસ ફાયદાની જાહેરાત કરી હતી. રાજ્યના કરોડરજ્જુ તરીકે તેમની ભૂમિકાને જોતાં તેમને દર મહિને સીધા બેન્ક ખાતામાં ૨૫૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવાનો વાયદો કર્યો. તેમણે કહ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો મહિલાઓ ૫૦૦ રૂપિયાના રાહત દરે ગેસ સિલિન્ડર પણ ખરીદી શકશે. જોકે દેશભરમાં હાલ રસોઈ ગેસના સિલિન્ડરની કિંમત ૧૦૦૦ રૂપિયા છે. આ ઉપરાંત મહિલાઓ માટે બસ સેવા ફ્રી કરાશે જેથી દર મહિને તેમને ૧૦૦૦ રૂપિયા બચત થઇ શકશે અને આ હિસાબે તેમને દર મહિને ૪૦૦૦ રૂપિયાની મદદ મળશે.
પાંચ રાજ્યોમાં ચાલુ મહિન વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. જેમાં તેલંગાણા પણ એક છે. રાજ્યમાં ૩૦ નવેમ્બરે મતદાન શિડ્યુલ છે અને તમામ પાંચ રાજ્યોની સાથે તેલંગાણાના પરિણામ પણ ૩ ડિસેમ્બરે આવશે.