
મુંબઇ, એક જમાનામાં વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો ભારતીય ઓપનર સેહવાગ નિવૃત્તિ બાદ તેની રસપ્રદ અને ચતુરાઈભરી બોલ્ડ કોમેન્ટ્સ માટે ભારે લોકપ્રિય બન્યો છે. શું આગામી દિવસોમાં ભારતીય ખેલાડીઓ વિદેશની લીગમાં રમતાં જોવા મળશે ? તેવા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકિપર ગીલક્રિસ્ટના જવાબમાં સેહવાગે તીખો કટાક્ષ કરતાં કહ્યું હતુ કે, ના. અમારે તેની જરુર જ પડતી નથી. અમે તો ધનિક લોકો છીએ એટલે અમારે ગરીબ દેશોની લીગમાં ભાગ લેવા માટે જવું પડતું નથી.
એક પોડકાસ્ટમાં ગિલક્રિસ્ટ અને સેહવાગ વચ્ચે વાતચીત થઈ હતી. સેહવાગે બિગ બેશ લીગમાં તેને થયેલી સાવ સાધારણ રકમ અંગેનો ઉલ્લેખ પણ કર્યો હતો. સેહવાગે કહ્યું કે, હું ત્યારે ભારતીય ટીમમાંથી પડતો મૂકાયો હતો અને આમ છતાં આઈપીએલમાં રમતો હતો.
આ તબક્કે બિગ બેશ લીગમાં રમવા માટે ઓફર મળી હતી. તેમણે ત્યારે મારી સમક્ષ એક લાખ ડોલરની ઓફર મુકી હતી. ૪૫ વર્ષના સેહવાગે હળવી શૈલીમાં જણાવ્યું કે, ત્યારે મેં તેમને કહ્યું કે, આટલી રકમ તો મારા એક વેકેશનની પાછળ ખર્ચી શકું તેમ છું. ગત એક રાત્રિનું બિલ જ તેમણે કરેલી ઓફર કરતાં વધુ મોટું હતુ.