નવીદિલ્હી, પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરીએ બુધવારે જણાવ્યું હતું કે ભારતીય રિફાઇનર્સ વેનેઝુએલાના તેલને પ્રોસેસ કરી શકે છે અને ભારત તેને ખરીદી શકે છે, જો તે સસ્તામાં ઉપલબ્ધ હોય. અમેરિકા દ્વારા ઓપેક સભ્ય વેનેઝુએલાના તેલ ક્ષેત્રો પરનો પ્રતિબંધ અસ્થાયી રૂપે હટાવ્યાના થોડા દિવસો બાદ ભારત સરકાર તરફથી આ નિવેદન આવ્યું છે.
નોંધનીય છે કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર અને ઉપભોક્તા છે અને તે તેની તેલની જરૂરિયાતના ૮૦% થી વધુની જરૂરિયાત વિદેશમાંથી ખરીદે છે અને તેના ક્રૂડ ઓઈલના આયાત બિલમાં ઘટાડો કરવા માંગે છે. મંત્રી હરદીપ સિંહ પુરીએ એક ઈન્ડસ્ટ્રી ઈવેન્ટમાં વેનેઝુએલાના ઓઈલ વિશે કહ્યું કે જ્યારે બજારમાં વધુ પુરવઠો હોય ત્યારે તે હંમેશા સારું રહે છે. તેમણે કહ્યું કે અમે જ્યાંથી શક્ય હશે ત્યાંથી સસ્તું તેલ ખરીદીશું.
દક્ષિણ અમેરિકન દેશ ૨૦૧૯ થી ગંભીર પ્રતિબંધોનો સામનો કરી રહ્યો છે. ૨૦૨૪ની ચૂંટણી માટે વેનેઝુએલાની સરકાર અને વિપક્ષી પક્ષો વચ્ચેની સમજૂતીના બે અઠવાડિયા પહેલા યુએસએ પ્રતિબંધો હટાવ્યા હતા.
પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું, “અમે ઉપલબ્ધતા પર ખૂબ જ કાળજીપૂર્વક નજર રાખી રહ્યા છીએ. અમે અમારા ઉર્જા સ્ત્રોતોમાં વિવિધતા લાવી રહ્યા છીએ. જો કે હું રાહ જોઈ રહ્યો છું, મને લાગે છે કે અમે આ સફરમાં આગળ વધવામાં સફળ થઈશું. અમે ભૂતકાળમાં પણ આ કર્યું છે.’’ અહીં એનર્જી ટ્રાન્સફોર્મેશન ડાયલોગ કોન્ફરન્સને સંબોધતા પુરીએ કહ્યું કે ભારત મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવી રહ્યું છે અને આ સમય દરમિયાન તેણે તેના નાગરિકોને પોસાય તેવા દરે ઊર્જા પણ પૂરી પાડી છે.