બેંગ્લુરુ : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાથે જેડીએસને પણ હારનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે, જ્યારે જેડીએસના નેતા અને રાજ્યના પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીને પૂછવામાં આવ્યું કે, શું તેમની પાર્ટી લોક્સભાની ચૂંટણીમાં ભાજપ સાથે ગઠબંધન કરી શકે છે, તો તેમણે કહ્યું, અમારી પ્રાથમિક્તા અમારી પાર્ટીને પોતાના દમ પર વધારવાની છે. ચાલો જોઈએ શું થાય છે.”
આ દરમિયાન તેમણે કહ્યું કે જો રાષ્ટ્રીય પક્ષોને લાગે છે કે જેડીએસ સમાપ્ત થઈ ગઈ છે, તો તેઓ હવાઈ કિલ્લાઓ બનાવી રહ્યા છે. અમે અમારી પાર્ટીને મજબૂત કરીશું. મને ખબર છે કે, કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન કેવું રહેશે. હું જાણું છું કે તે કેવું સુશાસન કરશે.
એચડી કુમારસ્વામીએ કહ્યું કે, અમે અમારી પાર્ટીના કાર્યર્ક્તાઓની મહેનતના કારણે ૧૯ સીટો જીતી છે. જો રાષ્ટ્રીય પાર્ટીઓ એવું વિચારે છે કે, તેમણે અમને ખતમ કરી દીધા છે તો તેઓ સપના જોઈ રહ્યા છે. હું કોંગ્રેસની કામ કરવાની રીત જાણું છું, તેઓ પણ એ જ કરી રહ્યા છે જે ભાજપે કર્યું હતું. આગામી દિવસોમાં તેમનો પણ પર્દાફાશ થશે.
આ પહેલા જ્યારે પૂર્વ પીએમ એચડી દેવગૌડાને ન્યૂઝ એજન્સી ANI દ્વારા લોક્સભા ચૂંટણી ૨૦૨૪માં વિપક્ષી પાર્ટીઓ સાથે એક્સાથે આવવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, અમારી કોઈની સાથે વાતચીત થઈ નથી. સૌ પ્રથમ, અમે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે અમારી પાર્ટીને મજબૂત કરવા માંગીએ છીએ.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો ગયા મહિનાની શરૂઆતમાં જાહેર થયા હતા, જે કોંગ્રેસ માટે સારા સમાચાર લઈને આવ્યા હતા. ૨૨૪ સભ્યોની કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસને સૌથી વધુ ૧૩૫ બેઠકો મળી હતી. આ બેઠકો સાથે કોંગ્રેસે ઘણા વર્ષોનો રેકોર્ડ તોડ્યો હતો.ભાજપને માત્ર ૬૬ બેઠકોથી સંતોષ માનવો પડ્યો, જ્યારે કિંગ મેકર બનવાનું સપનું જોઈ રહેલી જેડીએસને માત્ર ૧૯ વિધાનસભા બેઠકો મળી. વોટ શેરની વાત કરીએ તો, કોંગ્રેસને લગભગ ૪૩ ટકા વોટ મળ્યા. બીજેપી બીજા નંબર પર રહી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ૩૬ ટકા વોટ મળ્યા જ્યારે જેડીએસને ૧૩.૨૯ ટકા વોટથી સંતોષ માનવો પડ્યો.