
નવીદિલ્હી, આમ આદમી પાર્ટીએ દિલ્હીના રામલીલા મેદાનમાં વિશાળ રેલીનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં કહ્યું કે, ૧૨ વર્ષ પહેલા આ જ જમીન પરથી ભ્રષ્ટાચાર સામે હોબાળો મચ્યો હતો, હવે તેઓ ફરી એકવાર “સરમુખત્યારશાહી સરકારને આ જ જમીન પરથી જડમૂળથી ઉખેડી નાખવા”નો સંકલ્પ લે છે. સીએમએ કહ્યું કે આજે તેઓ ‘તાનાશાહી’નો અંત લાવવા રામલીલા મેદાનમાં એકઠા થયા છે. તેમણે દિલ્હીમાં ૮ વર્ષ સુધી સુપ્રીમ કોર્ટની લડાઈ લડી હતી. દિલ્હીના લોકોએ લાંબી લડાઈ લડી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, આજે દિલ્હીમાં એક મોટી રેલીનું આયોજન કર્યું છે. કેન્દ્રના વટહુકમ સામે વિપક્ષને એક કરવાના પ્રયાસોનો આ એક ભાગ છે. પાર્ટીના તમામ મોટા નેતાઓ રેલીમાં પહોંચી ગયા છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ અને સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલ પણ રેલીમાં ઉપસ્થિત રહ્યાં હતા. વકીલ હોવાના કારણે સિબ્બલે કેન્દ્રના વટહુકમમાં રહેલી ખામીઓની ચર્ચા કરી હતી. સિબ્બલે સીએમ કેજરીવાલના વિરોધને યાદ કર્યો, જે તેઓ યુપીએ સરકાર દરમિયાન કરતા હતા.
કપિલ સિબ્બલે કહ્યું કે ૨૦૧૪ પહેલા અરવિંદ કેજરીવાલ યુપીએ સરકારની ટીકા કરતા હતા. હવે સરકાર બદલાઈ છે, વડાપ્રધાન બદલાયા છે અને મીડિયા તેમની સાથે છે. પછી કહેવામાં આવ્યું કે મને સાત વર્ષ આપો, હું બધું ઠીક કરી દઈશ, પરંતુ ત્યાર બાદ ૬૦ મહિના થઈ ગયા છે. તેમણે કહ્યું કે આજે ભાઈચારો અને લોકશાહી ખતરામાં છે.
કપિલ સિબ્બલે કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે તેઓ ડબલ એન્જિનની સરકાર ચલાવી રહ્યા છે, હકીક્તમાં તેઓ ડબલ બેરલની સરકાર ચલાવી રહ્યા છે. સીબીઆઈ એક બેરલમાં છે અને ઈડી બીજામાં છે. CM એ ૧૨૦ મહિનામાં દેશનો નકશો બદલ્યો. તેઓએ ચૂંટણી પંચ, મીડિયા, ઈડી, સીબીઆઈ તમામને પોતાના ખોળામાં રાખ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ રેલીમાં પહોંચ્યા હતા. તેમણે ભાજપને ભારતીય જુગાડ પાર્ટી ગણાવી હતી.