અમદાવાદની સાથે સુરત, રાજકોટ અને વડોદરામાં શનિવારથી રાત્રી કર્ફ્યુ

ગુજરાતમાં દિવાળીના તહેવાર બાદ વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર સર્તક બની છે.આ મામલે શુક્રવારે મુખ્ય મંત્રીની અધ્ક્ષતામાં બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના કહેવા પ્રમાણે અમદાવાદની સાથે સાથે સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારથી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવાયું છે. જ્યાં સુધી સરકાર બીજો નિર્ણય જાહેર ન કરે ત્યાં સુધી આ કર્ફ્યુ અમલ રહેશે.

નીતિન પટેલે કહ્યું કે ચાર મહાનગરોમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રાત્રી કર્ફ્યુ ચાલુ રહેશે.તેમણે કહ્યું, “અમદાવાદમાં આજ રાત્રીથી શરૂ થતો કર્ફ્યૂ સોમવાર સવાર સુધી ચાલુ રહેશે. જે બાદ સરકાર સ્થિતિની સમીક્ષા કરીને બીજો નિર્ણય લઈ શકે છે.”

તેમણે કહ્યું, “અમદાવાદ સિવાયનાં શહેરોમાંથી સેવાભાવી સંસ્થાઓ, વેપારી ઍસોસિયેશન તથા અગ્રણીઓ તરફથી કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે કર્ફ્યુની માગ કરવામાં આવી હતી.”

મીડિયા સાથે વાત કરતાં નીતિન પટેલે કહ્યું કે સરકારે મોટા પ્રમાણમાં રાજ્યમાં ટેસ્ટિંગ શરૂ કરી છે. લોકો પણ સામેથી ટેસ્ટિંગ કરાવવા આવી રહ્યા છે. સરકારે દિવાળી પહેલાં જ આગોતરાં પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું.”તેમણે કહ્યું, “રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાઇરસનું સંક્રમણ બેકાબૂ બન્યું છે તેવા કોઈ આંકડા નથી, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે.”

નીતિન પટેલે કહ્યું, “અમદાવાદમાં દિવસના સમયે પોલીસની મંજૂરી સાથે લગ્ન સમારંભ યોજવા દેવામાં આવશે. રાજ્ય સરકારે 200 મહેમાનોની છૂટ આપી છે, તેમનાં નામ આપીને મંજૂરી લઈ લગ્ન સમારંભ યોજી શકાશે.”અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકાએ બે દિવસના સંપૂર્ણ કર્ફ્યૂની જાહેરાત કરી છે.અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે સંકળાયેલા અધિક મુખ્ય સચિવ ડૉક્ટર રાજીવકુમાર ગુપ્તાએ કર્ફ્યૂ અંગેની ટ્વીટ કરીને જાણ કરી હતી.

અમદાવાદમાં શુક્રવારે રાત્રે નવ વાગ્યાથી સોમવાર સવારસુધી સંપૂર્ણ કર્ફ્યૂ લાદવામાં આવશે.આ સાથે જ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ વધારે ખરાબ ના થાય તે મામલે તંત્ર સર્તક બન્યું છે.આ શહેરમાં પણ લોકોને સંક્રમણથી બચાવવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.