અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી : 7 ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને તેમાના 2 દર્દીનાં મોત

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ બાદ દર્દીઓને અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં લાવી પરિવાજનોની જાણ બહાર જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરી હતી. જેમાંથી 7ની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી અને તેમાના 2 દર્દીનાં મોત થઈ ગયાં છે અને 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. આ તમામ ઓપરેશન ડો. પ્રશાંત વઝીરાણીએ કર્યા હતા. ઘટનાને પગલે ગ્રામજનોએ વહેલી સવારે હોસ્પિટલ પહોંચી તોડફોડ કરી હતી.

બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ સમગ્ર બાબતે માહિતી મેળવવા માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગઈકાલ સાંજથી જ ખ્યાતિ હોસ્પિટલમાં કોઈપણ જવાબદાર ડોક્ટરો હાજર નથી. હોસ્પિટલના ડાયરેક્ટર અને ચેરમેન સહિતના લોકો ગાયબ છે. માત્ર એક ડોક્ટર હાલ હોસ્પિટલમાં ICUમાં હાજર છે.

હાલમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ, યુ એન મહેતા અને ગાંધીનગર આરોગ્ય વિભાગની 8થી 10 ડોક્ટરોની ટીમ ખ્યાતિ હોસ્પિટલ ખાતે પહોંચી છે. જે 5 દર્દીઓ ICU અને 10 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, તેઓની સારવાર અને તપાસ હવે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. સાત દર્દીના ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેમાં બે લોકોના મૃત્યુ થયા છે. જે દર્દીઓ હાલમાં દાખલ છે, તેઓને સાંજ સુધીમાં રજા આપી દેવામાં આવશે. સરકારના આરોગ્ય વિભાગના કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરો પણ ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચ્યા છે. પોલીસ, આરોગ્ય વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે વાતચીત કરવામાં આવી છે.

ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડાયરેક્ટરો

  1. કાર્તિક પટેલ
  2. ડો. સંજય પટોલિયા
  3. રાજશ્રી કોઠારી
  4. ચિરાગ રાજપૂત

ખ્યાતિ હોસ્પિટલ પહોંચેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં મને માહિતી મળી હતી કે કડીના બોરીસણા ગામમાં ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતાં. જરૂરિયાત લોકો આ કેમ્પમાં ગયા હતાં. આ હોસ્પિટલ દ્વારા અમુક દર્દીઓને પસંદ કરીને તેઓના મા યોજનાનું કાર્ડ અને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તૈયાર રાખજો અને આવતી કાલે તમને અમારી હોસ્પિટલમાંથી બસ મોકલી તમને અમદાવાદ હોસ્પિટલ લઈ જઈશું, તેવું જણાવ્યું હતું.

ગઈકાલે 19થી 20 દર્દીઓને અહીં હોસ્પિટલ લાવવામાં આવ્યા હતાં અને મોટા ભાગના દર્દીઓને સીધા હૃદય રોગના દર્દીઓ ગણીને એમની એન્જિયોગ્રાફિ કરવામાં આવી. કેટલાંકની એન્જિયોપ્લાસ્ટી પણ કરી દેવામાં આવી હતી. આ પ્રકારની સારવાર માટે હોસ્પિટલે પહેલા પરમિશન લેવાની હોય છે અને ઓનલાઈન મંજૂરી લેવામાં પણ સમય લાગતો હોય છે. પહેલી નજરે જોતા લાગે છે કે, જરૂરિયાત વગરના બિનજરૂરી ઓપરેશન કરવામાં આવ્યા છે. આ પ્રકારના કેસમાં નિષ્ણાંત ડોક્ટરોનો અભિપ્રાય લેવો જોઈએ. ખ્યાતિ હોસ્પિટલે આર્થિક લાભ માટે આ કાંડ કર્યો હોવા અંગે તેઓએ જણાવ્યું કે, સારી, પ્રતિષ્ઠિત, સેવાભાવી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે, જેમાં દર્દીઓ સારી સારવાર મેળવે છે. તો કેટલીક આંગળીના વેઢે ગણાઈ તેવી ધંધાદારી હોસ્પિટલો પણ ગુજરાતમાં છે.

મળતી માહિતી પ્રમાણે, શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે સવારે કડી તાલુકાના બોરીસણા ગામના લોકોને હેલ્થ ચેકઅપ બાદ અમદાવાદ ખાતે હોસ્પિટલમાં લાવી અને પરિવારજનોને જાણ કર્યા વિના જ 19 લોકોની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જ્યારે 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે સારવાર બાદ 2 લોકોના મૃત્યુ થયા છે. ગ્રામજનોને જાણ થતા મોટી સંખ્યામાં લોકો એસજી હાઇવે પર આવેલી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર બાબતે હોસ્પિટલના ડોક્ટરો અને મેનેજમેન્ટ પાસે જવાબ માંગ્યો હતો. જેમાં જવાબ આપવામાં ન આવતા ગ્રામજનો અને પરિવારજનો રોષે ભરાયા હતા.