અમદાવાદમાં વહેલી સવારે એસ.જી. હાઈ-વેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાઇક્લિંગ કરી રહેલા બે ડૉક્ટરોને અજાણ્યા કારચાલકે પૂરપાટ ઝડપે આવીને ટક્કર મારી હતી. જોકે, કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો. સદનસીબે બંનેના જીવ બચી ગયા હતા. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ ઘટના અંગે ડૉક્ટરે એસ.જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધાવ્યો છે.
સેટેલાઈટમાં રહેતા ડોક્ટર અનીશ તિવારી, તેમનાં પત્ની ડોક્ટર રીનાબેન તિવારી, ડોક્ટર આશિષ શાહ, ક્રિષ્નાબેન શુક્લા, ડોક્ટર અમર શાહ, ડોક્ટર ઝંખના શાહ અને ડોક્ટર પારુલ ભાટિયા ભેગા મળીને સવારે 6 વાગે પોતપોતાની સાઇકલ ઉપર સાઇક્લિંગ કરતા વૈષ્ણોદેવી સર્કલથી વડસર જવાનું નક્કી કર્યું હતું. સાઇક્લિંગ કરતાં-કરતાં તેઓ હેબતપુર નજીક બનેલા બ્રિજ ઉપરથી પસાર થતાં હતાં ત્યારે અચાનક પાછળથી આવેલી કારે ડોક્ટર અનીશ અને ક્રિષ્નાબેનને ટક્કર મારી હતી. ડોક્ટર અનીશને ટક્કર વાગતા તેઓ સાઇકલ લઈને નીચે પડી ગયા હતા જ્યારે મહિલા ડૉક્ટર ક્રિષ્નાબેન બેભાન થઈ ગયાં હતાં.
ડોક્ટર અનીશ ઊભા થઈને ક્રિષ્નાબેન તરફ ગયા ત્યારે તો બેભાન અવસ્થામાં હતા અને કારચાલક ફરાર થઈ ગયો હતો. ડોક્ટર અનિશનાં પત્નીએ 108ને ફોન કર્યો હતો. જેથી, 108 તાત્કાલિક બંનેને સારવાર માટે થલતેજની ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. ડૉક્ટર અનિશને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે ક્રિષ્નાબેનને ફેક્ચર થયું હતું. આ અંગે ડોક્ટર અનીશે અજાણ્યા કારચાલક વિરુદ્ધમાં ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાવ્યો છે. આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં બંનેનો બચાવ થયો હતો, જે પ્રમાણે કારે ટક્કર મારીને કારચાલક નાસી ગયો હતો તે પ્રમાણે હિટ એન્ડ રન જેવી જ ઘટના દેખાઈ રહી છે.