અમદાવાદના પૂર્વ વિસ્તારની માધવ પબ્લિક સ્કૂલના એક શિક્ષકે વિદ્યાર્થીને ઢોરમાર માર્યાની ઘટના સામે આવી છે. શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઇને મારતો મારતો તેને ક્લાસની વચ્ચે લાવે છે. બાદમાં તેનું માથું દીવાલે પછાડી ધડાધડ લાફાવાળી કરે છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઇ હતી. બનાવની જાણ થતાં જ DEOએ સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો છે. સ્કૂલે પણ બનાવ બાદ ગણિતના શિક્ષક અભિષેક પટેલને સસ્પેન્ડ કરી દીધો છે.
શિક્ષકે એક પછી એક 10 લાફા ઝીંક્યા
શહેરના વટવા વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પોતાની જગ્યા પર બેઠો હતો, ત્યારે તે વિદ્યાર્થીને તેના સ્કૂલના શિક્ષક દ્વારા કોઇ કારણસર ઢોરમાર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, શિક્ષક વિદ્યાર્થીની જગ્યા પર જાય છે અને વિદ્યાર્થીને પકડીને બ્લેક બોર્ડ પાસે લાવીને દીવાલ પર માથું પછાડે છે. ત્યારબાદ ચાર સેકન્ડમાં જ એક પછી એક 10 લાફા ઝીંકી દે છે. જોકે, ત્યારબાદ વિદ્યાર્થીને પીઠમાં જોરથી મારે છે અને ધક્કો મારીને બીજી તરફ દૂર કરે છે, ત્યારે આ CCTVના વાઈરલ વીડિયો અંગે શિક્ષણ વિભાગે પણ નોંધ લીધી હતી.
સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કર્યો
અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયો અંગે જાણ થતાં જ સ્કૂલને તાત્કાલિક નોટિસ આપવામાં આવી છે. સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે, પરંતુ સ્કૂલ પાસે આ બનાવ અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.
આ શિક્ષક સામે અગાઉ કોઈ ફરિયાદ ધ્યાને આવી નથી
માધવ સ્કૂલના ટ્રસ્ટી સચિન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને દીવાલ સાથે અથડાવીને ઢોરમાર મારવામાં આવ્યો હતો. જે બાદ DEO દ્વારા પણ આ સમગ્ર બાબતે સ્કૂલ પાસેથી ખુલાસો માગવામાં આવ્યો હતો. જ્યારે આજે માધવ સ્કૂલના ટ્રસ્ટી સચિન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, જે દિવસે આ ઘટના બની હતી તે જ દિવસે શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ ગતરોજ સ્કૂલના આચાર્ય દ્વારા પણ નિયમ અનુસાર સંચાલન ન થતું હોવાથી તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. DEO કચેરી ખાતે પણ આ બાબતે ખુલાસો માગવામાં આવ્યો છે તે આપવામાં આવશે.
અગાઉ શિક્ષક ઉપર આ પ્રકારની કોઈ ફરિયાદ અમારા ધ્યાનમાં આવી નથી અને ભવિષ્યમાં સ્કૂલમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને તેની પણ બાંયધરી આપવામાં આવી છે. આ ઉપરાંત શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવામાં આવશે અને તેમને સમજાવાશે કે, અન્ય કોઈ જગ્યાનો ગુસ્સો સ્કૂલમાં બાળકો ઉપર ન ઉતારે અને દરેક વિદ્યાર્થી સારો વ્યવહાર કરવામાં આવે. અગાઉ આ શિક્ષક સામે કોઈ ફરિયાદ ધ્યાને આવી નથી. જો તેમ બન્યું હોત તો પહેલાં જ તે શિક્ષક સામે કડક કાર્યવાહી કરીને નિયમ મુજબ પગલાં લેવામાં આવ્યાં હોત.