અમદાવાદની જ્વેલર્સ પેઢીમાં બંદૂકના નાળચે 50 લાખની લૂંટ, CCTV:લૂંટારાઓએ શાકભાજીની જેમ દાગીના વીણી-વીણીને ખિસ્સાં અને થેલી ભર્યા

અમદાવાદના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતાં ચકચાર મચી છે. બપોરના સમયે ચાર લૂંટારાએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાના દાગીનાના લૂંટ ચલાવી ફરાર થઈ જતાં પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી છે. શહેરના પોશ ગણાતા અને ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લૂંટારાઓ બિનધાસ્ત રીતે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. લૂંટારાને પોતાનાં ખિસ્સાં અને થેલી દાગીનાથી ભરતા જોવા મળ્યા હતા. આરોપીઓએ કુલ 50 લાખની લૂંટ કરી હતી, જેમાં 1.2 કિલો સોનુ અને 3-4 કિલો ચાંદીનો સમાવેશ થાય છે.

સાઉથ બોપલ અમદાવાદનો સતત ધમધમતો વિસ્તાર છે. એમાં જ ધોળે દિવસે લૂંટારાઓએ બંદૂકના નાળચે વેપારીને બંધક બનાવી લૂંટને અંજામ આપતાં ચકચાર મચી છે. અહીં આવેલી કનકપુર જ્વેલર્સમાં બપોરના સમેય ચાર લૂંટારા આવ્યા હતા, જેમાંથી એક દુકાનની બહાર ઊભો રહ્યો હતો, જ્યારે ત્રણ દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂક બતાવી બંધક બનાવ્યો હતો અને લૂંટ ચલાવી હતી.

લૂંટ કરવા આવેલા લૂંટારાઓએ પોતાની ઓળખ ન થાય એ માટે હેલ્મેટ અને બુકાની બાંધી રાખી હતી. લૂંટના જે સીસીટીવી સામે આવ્યા છે એમાં લૂંટારા આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના વીણતા જોવા મળી રહ્યા છે. આ તમામ દાગીના લૂંટારાઓએ પોતાનાં ખિસ્સાં અને થેલીમાં ભરી લીધા હતા.

સાઉથ બોપલમાં જ્યાં આ લૂંટનો બનાવ બન્યો એના એકથી બે કિલોમીટર દૂર જ બોપલ પોલીસ સ્ટેશન આવેલું છે. ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ એ પહેલા જ લૂંટારાઓ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે નાકાબંધી કરી લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના વિસ્તારના સીસીટીવીની પણ તપાસ કરી રહી છે.

બોપલ મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલીગ્રામ પ્રાઇમમાં કનકપુરા જ્વેલર્સ નામની દુકાન ભરતભાઈ લોઢિયા તથા મનસુખભાઈ ભાગીદારીમાં ચલાવે છે. ગુરુવારે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ હાજર હતા ત્યારે ત્રણ વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જ્યારે એકે હેલ્મેટ પહેર્યુ હતુ. પહેલા દાગીના ખરીદવા છે તેમ કહીને અંદર ઘૂસ્યા હતા. જોકે, એક લૂંટારુ દુકાનના દરવાજા પાસે ઉભો રહી ગયો હતો અને ભરતભાઈ તથા મનસુખભાઈ કંઈ સમજે તે પહેલા જ બે લૂંટારુઓએ પિસ્તોલ જેવુ હથિયાર બતાવીને ભરતભાઈ અને મનસુખભાઈના મોબાઈલ ફોન મેળવી લીધા હતા.

જે બાદ તેમને દુકાનમાં આવેલી ઓફિસમાં બંધ કરી દઈ ગણતરીની મિનિટોમાં જ દુકાનમાં રહેલા મોટાભાગના સોના-ચાંદીના અને ડાયમંડના દાગીના થેલા તથા ખીસ્સામાં ભરીને ફરાર થઈ ગયા હતા. બીજી બાજુ સ્થાનિક વેપારીઓ ભેગા થઈ ગયા હતા અને ઓફિસનો દરવાજો ખોલીને બંનેને બહાર કાઢ્યા હતા. લૂંટની જાણ બોપલ પોલીસને કરતા બોપલ પોલીસ, ગ્રામ્ય પોલીસ વડા, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ આસપાસના CCTV ફૂટેજના મેળવી તેના આધારે તપાસ શરૂ કરી છે.