અમદાવાદના સાણંદમાં NIAનું ઓપરેશન : મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત, જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા

અમદાવાદને અડીને આવેલા સાણંદમાં મદ્રેસામાં કામ કરતા એક શંકાસ્પદ વ્યકિતની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથેના કનેકશનને લઈ શંકાસ્પદ વ્યકિતની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝડપાયેલા શંકાસ્પદ વ્યકિતનું નામ આદિલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ વ્યક્તિને નેશનલ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તેમાં પણ ખાસ કરીને જે સમગ્ર ઓપરેશન હાથ ધરાયું તેમાં અમદાવાદ જિલ્લા પોલીસને પણ સાથે રાખવામાં આવી હોવાની વિગતો હાલ સામે આવી રહી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી આતંકી સંગઠનના મૂળ ક્યાંક ઓનલાઈન પ્લેટફોર્મ પર ડાઈવર્ટ થયા છે. જેમાં ખાસ કરીને કેટલાક ખાસ ગ્રુપ બનાવીને તેમાં લોકોને અલગ અલગ મોડ્યુલમાં વિચારધારા સાથે જોડીને ત્યારબાદ તેઓને આતંકી સંગઠનના વિચારમાં જોડી દેવામાં આવતા હોવાના અનેક બાબતો સેન્ટ્રલ એજન્સીઓને મળી હતી. જે બાબતે અગાઉ પણ ઘણી વખત તપાસમાં ઓનલાઈન પ્લેટફોર્મથી જોડાયેલા આતંકીઓની કડી એજન્સીને મળી છે.

અમદાવાદ જિલ્લાના સાણંદ પાસે આવેલા એક મદરેસામાં નોકરી કરતા આદિલ નામનો એક વ્યક્તિ જૈશ એ મોહમ્મદ નામના આતંકી સંગઠન સાથે જોડાયા હોવાની વિગત સેન્ટ્રલ એજન્સીને મળી હતી. જેના આધારે તેણે અમદાવાદ જિલ્લા પોલીસની મદદ લઈને મોડી રાતે અટકાયત કરી છે. આ શંકાસ્પદ વ્યક્તિનું નામ આદિલ છે અને તે ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે દેશ વિરોધી કૃત્ય કરતા આતંકી સંગઠન સાથે કનેક્ટ હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.