અમદાવાદમાં નરોડા વિસ્તારમાં ત્રીજા માળેથી પુત્રને ફેંકી માતાએ પણ મોતની છલાંગ લગાવી

અમદાવાદમાં આજે (7 ડિસેમ્બર) નરોડા વિસ્તારમાં ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક માતાએ તેના સાત વર્ષના દીકરા સાથે ત્રીજા માળેથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત સામે આવતાં સ્થાનિક પોલીસ બનાવના સ્થળે પહોંચી હતી. જ્યારે બીજી તરફ એવું સામે આવી રહ્યું છે કે મૃતક મહિલાના પતિ હાલ પોલીસમાં ફરજ બજાવે છે. એક તરફ જ્યાં પરિવાર પર માતમ છવાયું છે ત્યારે સોસાયટીના રહીશો પણ આ ઘટનાને લઈને આઘાતમાં સરી પડ્યા છે.

આ બનાવ અંગેની પ્રાથમિક તપાસમાં સ્થાનિક પોલીસને જાણવા મળ્યું છે કે બાળક માનસિક બીમાર હતું, જ્યારે માતાની માનસિક બીમારીની દવા ચાલી રહી હતી. હાલ કયા કારણસર આ પગલું ભર્યું એ અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, નરોડા વિસ્તારમાં આવેલા હંસપુરા નજીક એક એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી આજે સવારે એક મહિલાએ તેના પુત્ર સાથે કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવમાં વિગત એવી સામી આવી રહી છે કે મરનાર બાળકની ઉંમર સાત વર્ષની છે અને તેનું નામ રીધમ છે, જ્યારે તેની માતાનું નામ વિરાજબેન વાણિયા છે. આજે સવારે અચાનક સોસાયટીમાં ત્રીજા માળથી નીચે કોઈ પટકાવ્યું અને જોરદાર અવાજ આવતાં લોકો ભેગા થઈ ગયા હતા ને જોતાં બંને મૃતકોની લાશ નીચે પડી હતી. નીચે લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં, જે જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા હતા. આસપાસના લોકો ભેગા થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. થોડીવારમાં પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.

સ્થાનિક પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મરનારના પતિ હાલ હિંમતનગરના ડોગ્સ- સ્ક્વોડમાં ફરજ બજાવે છે. તેમનું નામ મિતેશ વાણિયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. આત્મહત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે નહીં? એ તપાસવાનો પ્રયાસ પોલીસ કરી રહી છે. બીજી તરફ મોબાઈલ અથવા કોઈ આત્મહત્યા પહેલાં કોઈ ચિઠ્ઠી લખી હોય અથવા મેસેજ કર્યો હોય એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.