કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર પર આપેલા વિવાદાસ્પદ નિવેદન લઈને ચાલતા વિવાદ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થઇ છે. ખોખરામાં કે.કા શાસ્ત્રી કોલેજની સામે જયંતિ વકીલની ચાલીની બહાર ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાના નાકને અસામાજિક તત્ત્વોએ તોડી નાખતાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યા છે. વહેલી સવારે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ખોખરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણાં પર બેસી ગયા છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં એક તરફનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. તો અમરાઇવાડીના કોંગ્રેસના કોર્પોરેટરે પણ ઘટનાસ્થળે પહોંચીને આવાં અસામાજિક તત્ત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવા માગ કરી છે.
સ્થાનિકો કહી રહ્યા છે કે, જ્યાં સુધી બાબાસાહેબની પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી રસ્તા પરથી નહીં હટીએ. સાથે જે પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તે પ્રતિમા ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે. હાલ તો ડો. બાબાસાહેબ આંબેડકરની ખંડિત પ્રતિમાને કપડાથી ઢાંકી દેવામાં આવી છે.
એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે આ મામલે ખોખરા પોલીસે ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ શહેરના ખોખરા વિસ્તારમાં કે.કા.શાસ્ત્રી કોલેજની સામેના ભાગે જયંતી વકીલની ચાલી આવેલી છે. ચાલીના બહારના ભાગે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આજે વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકો ત્યાંથી પસાર થતા હતા ત્યારે આંબેડકરની પ્રતિમાના નાકને તોડી નુકસાન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. આ વાત વાયુવેગે ફેલાતા સ્થાનિકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા આ કાવતરું રચી નુકસાન કર્યું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ મામલે ખોખરા પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
આ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે બાબાસાહેબની પ્રતિમાને ખડિત કરવાનો પ્રયાસ કર્યો છે. સીપી સાથે વાત કરી છે, આવાં તત્ત્વોને કડક સજા કરવાની માગ કરી છે. બાબાસાહેબની ખંડિત મૂર્તિની જગ્યાએ નવી મૂર્તિ સ્થાપિત કરવામાં આવે. તેઓ દેશના સંવિધાનના પ્રણેતા છે, દેશવાસીઓની લાગણી જોડાયેલી છે. આ સાથે સીપી ઓફિસમાં પણ કોંગ્રેસ ડેલિગેશન આવેદનપત્ર આપશે.
મણિનગરના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક રહીશોને તેઓએ ખાતરી આપી હતી કે 24 કલાકમાં આરોપીઓ પકડાઈ જશે. સરકાર આ મામલે ખૂબ જ ગંભીર છે. રહીશોની જે માગ છે કે પ્રતિમાને ફરીથી પ્રસ્થાપિત કરવામાં આવે ત્યારે ફરીથી આનાથી સારી પ્રતિમાને મૂકી અને તેનું અનાવરણ કરવામાં આવશે. આ કોઈ પક્ષનો વિષય નથી બાબાસાહેબ આંબેડકર તમામ લોકોના છે. જલદીથી જલદી કાર્યવાહી થાય તેના માટે અમે રાજ્ય સરકારમાં રજૂઆત કરી છે અને પોલીસ સાથે પણ ચર્ચા કરી છે. તેમને ખાતરી આપી હતી કે આ મામલે ઝડપથી કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરાશે.