અમદાવાદમાં મણિનગર રેલવે ક્રોસિંગ પાસે રેલવેના જુ. એન્જિનિયરે ટ્રેન નીચે જીવન ટૂંકાવ્યું

ટ્રેન આવવાની 5 સેકન્ડ પહેલાં જ એક રેલવેકર્મચારીએ પાટા પર સૂઇ જઇને આપઘાત કરી લીધો છે. વિચલિત કરી દેતી ઘટના અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે ગઇકાલે (4 ઓક્ટોબર) સવારના સમયે ​​​​​બની હતી, જ્યાં રેલવેના જુનિયર એન્જિનિયર અશ્વિન રાઠોડે(54 વર્ષ​​​) હમસફર ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. ટ્રેન આવવાની હોવાથી રેલવે ફાટક બંધ હતું અને બંને સાઇડ વાહનોની ભીડ હતી. આ દરમિયાન જ લોકોની નજર સામે રેલવેકર્મીએ પાટા પર સૂઈને આપઘાત કરી લીધો. આપઘાતની ઘટના CCTVમાં કેદ થઈ ગઇ હતી.

ગુરુવારે ફરજ બજાવી અને શુક્રવારે આપઘાત

મણિનગરમાં સીએનઆઈ ચર્ચની સામે આવેલા રાજશિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા 54 વર્ષીય અશ્વિન રાઠોડ રેલવેમાં જુનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતા હતા. અશ્વિનભાઈએ ગુરુવારે બપોરે 3થી રાતના 11 વાગ્યા સુધી ફરજ બજાવી હતી અને શુક્રવારે તેમની રજા હોવાથી ઘરે જ હતા. આ દરમિયાન સવારના સમયે તેમણે મણિનગર રેલવે ક્રોસિંગ પાસે જામનગર હમસફર ટ્રેન નીચે સૂઇને આપઘાત કરી લીધો હતો.

લોકોની નજર સામે જામનગર હમસફર ટ્રેનની નીચે અશ્વિનભાઈએ આપઘાત કરતાં હાહાકાર મચી ગયો હતો. એને લઇને લોકોનું ટોળુ એકત્ર થઈ ગયુ હતુ. પોલીસને જાણ કરતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જ્યારે મોર્નિંગ વોક કરવા નીકળેલા અશ્વિનભાઈના પાડોશીએ તેમના ભાઈને જાણ કરી હતી. આ અંગે મણિનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તેમના ભાઇનું નિવેદન લઇને અન્ય પરિવારજનોનાં નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે, જોકે મૃતક પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પોલીસે મોતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.