અમદાવાદ-રાજકોટ હાઇવે પર જયપુર જેવો અકસ્માત:4 વાહન વચ્ચે અકસ્માત થતાં જોરદાર બ્લાસ્ટ, ટ્રકમાં ભરેલાં કાપડથી આગ બેકાબૂ બની; 2નાં મોત, બે ગંભીર

ગત 20 ડિસેમ્બરની સવારે જયપુરમાં અજમેર-હાઇવે પર એવો અકસ્માત થયો કે જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો. એલપીજી ગેસથી ભરેલા ટેન્કરને ટ્રકે ટક્કર મારતા જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 11 લોકો જીવતા ભૂંજાયા અને 33 લોકો દાઝી ગયા હતા. અમદાવાદ-રાજકોટ હાઈવે પર એક આવો જ અકસ્માત થયો છે.

અમદાવાદના બાવળા અને બગોદરા વચ્ચે ભમાસરા ગામ પાસે અકસ્માત થયો હતો. બગોદરાથી અમદાવાદ તરફ જતી કાપડની ટ્રકનું ટાયર ફાટતા બાવળા તરફથી બગોદરા તરફ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કુલ 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.

આ અંગે મળતી વિગતો મુજબ, ટ્રક અથડાતા બ્લાસ્ટ થઈને આગ લાગી હતી. આ અકસ્માત અને આગની ઘટનામાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકોને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતા બાવળા, બગોદરા અને કોઠ પોલીસ સ્થળે પહોંચી હતી. ધોળકા, સાણંદ સહિતના ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

આ મામલે પોલીસે જણાવ્યું હતું કે રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે નં. 47 પર બાવળા નજીક ભમાસર ગામની સીમ પાસે અક્સ્માત થયો હતો, જેમાં કોઇ ડીઝલ ટેન્કર હતું નહિ. બગોદરા તરફથી એક કાપડના રોલ ભરેલ આઇસર ગાડીના ચાલક કમલસિંગ હરીસિંગ (રહે. પટેલ કા વાડીયા, રાજવા, જિ. રાજસમંદ બીલીયાવાસ, રાજસ્થાન) દ્વારા આઇસર ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી ડિવાઇડર કુદાવી સામેની સાઇડે જઇ સામે બાવળા તરફથી આવતી આઇસરને ટક્કર મારી હતી. જેની પાછળ આવતી બીજી આઇસર તથા તેની પાછળ સિમેન્ટનુ બલ્કર સાથે અથડાઇ પલટી ખાઇ જતા અકસ્માત કરનાર આઇસર તથા બાવળા તરફથી આવતી બે આઇસર તથા એક બલ્કરમાં આગ લાગી હતી.

આ મામલે પોલીસ તથા ફાયર બ્રિગેડને ફોન કરતાં બાવળા તથા ધોળકા નગરપાલિકાથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડે આગ બુઝાવી હતી. આ અકસ્માત કરનાર આઇસર ચાલક તથા તેની કેબીનમા બેઠેલા બીજા એક માણસ સહિત 2 લોકોના મૃત્યુ થયા છે. અન્ય આઇરસના ચાલક જીગ્નેશભાઈ દિલીપભાઈ વાજા (ઉં.વ.32 રહે. જુનાગઢ, મધુરમ સોસાયટી સાકર રેસિડન્સી, બ્લોક નં.3 જિ. જુનાગઢ ).ને ઇજા થતા 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લઇ ગયાં હતાં.

અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર ભમાસરા ગામ પાસે રાજસ્થાનના જયપુર અકસ્માત જેવી ઘટના બની છે. વાસ્તવમાં અહીં કાપડ ભરેલી ટ્રક અને અન્ય એક ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જોકે અકસ્માત બાદ ટ્રકમાં આગ લાગી જતાં ત્યાંથી પસાર થતાં અન્ય વાહનો પણ અસરગ્રસ્ત થયા હતા. આ સમગ્ર ઘટનામાં 2 ટ્રકના 2 લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા છે. અકસ્માતમાં 1 ટ્રકમાં સવાર 2 લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ, બાવળા તરફથી બગોદરા તરફ જતા ટ્રકોમાં ઘઉં અને ચોખાની બોરીઓ ભરેલી હતી. મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં કલાકો સુધી રાત્રે ટ્રાફિકજામ રહ્યો હતો. આ તરફ ઘટનામાં ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો તો પોલીસે ટ્રાફિકજામને હળવો કર્યો હતો. આ તરફ હવે સામે આવ્યું છે કે, કાપડ ભરેલી ટ્રક ચોટીલાથી અમદાવાદ જતી હતી. આ ટ્રક ચોટીલામાં રણછોડભાઈ રબારીની કંપનીની ટ્રક હતી. ટ્રકનો જૂનો ડ્રાઈવર પ્રદીપભાઈ રજા પર ગયો હતો તો મૃતક કમલભાઈ તેની જગ્યા પર આવ્યા હતા. નોંધનીય છે કે, અકસ્માતની ઘટનામાં ડ્રાઈવર કમલભાઈનું મોત થયું છે, જ્યારે અન્ય 1 મૃતક કોઈ પેસેન્જર હોવાની વાત સામે આવી છે.