અમદાવાદ-મુંબઈ વચ્ચે 33 ટ્રેન રદ:પેસેન્જર ટ્રેનના પાટા પર બુલેટ ટ્રેનનું કામ કરતી ક્રેન પડી હતી; 19 કલાકથી રેલવે રૂટ બંધ, ગરમીમાં મુસાફરો પરેશાન

23 માર્ચની રાત્રે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડાબ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે 600 ટનનું મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ હતી. ક્રેન પડતાં ભારતનો સૌથી વ્યસ્ત રેલવે રૂટ 19 કલાક કરતાં વધુ સમયથી બંધ છે. ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ-અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. આ મામલે વધુ 8 ટ્રેન રદ કરવામાં આવી છે.

અગાઉ વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર- અમદાવાદ સહિતની 10 ટ્રેનને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ-વડોદરા-મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનને રદ કરવામાં આવી છે. તો 5 ટ્રેનના સમય બદલાયા છે, જ્યારે 6 ટ્રેનને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું.

  • ટ્રેનનંબર 12844 અમદાવાદ-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ સાંજે 7:00 વાગ્યાની જગ્યાએ રાત્રે 9:00 વાગે ઊપડશે.
  • ટ્રેનનંબર 19256 મહુવા-સુરત એક્સપ્રેસ સાંજે 5.55 વાગ્યાના જગ્યાએ 6.55 વાગ્યે ઊપડશે.
  • ટ્રેનનંબર 22904 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ભુજથી સાંજે 4.10 વાગ્યાની જગ્યાએ રાતે 8.05 વાગ્યે ઊપડશે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે 33 ટ્રેન રદ