અમદાવાદ-મહેસાણા-પાલનપુર હાઈ સ્પીડ કોરીડોરને મળી મંજૂરી, રાજ્યમાં બનાવાશે કુલ 6 હાઈ સ્પીડ કોરીડોર

અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડને હાઈ સ્પીડ કોરીડોર વિકસાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 262.56 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરિવહન સુવિધા સરળ બનાવવા માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં 3,100 કરોડના ખર્ચે હાઈ સ્પીડ કોરીડોર વિકસાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડનો પણ સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત મહેસાણા શહેરમાં રાધનપુર સર્કલ પર ટ્રાફિકજામની સમસ્યાને ધ્યાનમાં રાખીને 136 કરોડના ખર્ચે નવો સિક્સ લેન ફ્લાયઓવર બ્રિજ, નાગલપુર ક્રોસ રોડ પર 54.40 કરોડના ખર્ચે સિક્સ લેન વ્હીક્યુલર અન્ડરપાસ અને ઉનાવા ખાતે બંને ક્રોસ રોડ પર 72.16 કરોડના ખર્ચે નવો સિક્સલેન વ્હીક્યુલર અન્ડરપાસ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

સરકારે ઉત્તર ગુજરાતના મહેસાણા-ઊંઝા-સિધ્ધ્પૂર-પાલનપૂર હાઈવે પર અગાઉ 2023-24માં અલગ-અલગ 9 જેટલા ક્રોસિંગ સ્થળો પર ફ્લાયઓવર, વ્હીક્યુલર અન્ડરપાસ અને 3 નદીઓ પર નવિન બ્રિજ મંજૂર કરવામાં આવ્યાં છે. જેમાં વટામણ-પીપળી, સુરત, નવસારી, અમદાવાદ-ડાકોર, ભૂજ-ભચાઉ, રાજકોટ-ભાવનગર અને મહેસાણા-પાલનપૂર સહિત 6 જેટલા હાઈ સ્પીડ કોરીડોર વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 

રાજ્યમાં માર્ગ અને પરિવહન સુવિધામાં વધારો થવાથી ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોને અમદાવાદ સાથેની વધુ સરળ, સલામત અને ઝડપી રોડ કનેક્ટીવીટી મળશે. તેવામાં કેન્દ્ર સરકારે તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં થરાદ-મહેસાણા-અમદાવાદના નેશનલ હાઈસ્પીડ કોરીડોરને મંજૂરી આપી છે. જ્યારે ભારતમાલા પરિયોજનામાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના 214 કિ.મી. લંબાઈના સિક્સલેન નેશનલ હાઈસ્પીડ કોરીડોર માટે 10,534 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

Don`t copy text!