- અમદાવાદમાં આજે ફરી મેઘરાજાની રિએન્ટ્રી
- શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો તડામાર વરસાદ
- ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે: અંબાલાલ પટેલ
અમદાવાદમાં એકવાર ફરી કાળા ડિબાંગ વાદળો વચ્ચે અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના મણીનગર, ઘોડાસર, ઈસનપુર, વટવા, રામોલ, જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી, બાપુનગર, નિકોલ સહિત સમગ્ર પૂર્વ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ અમદાવાદના પૂર્વ-પશ્ચિમ બંને સાઇડ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી.
અમદાવાદમાં મેઘરાજાની રિએન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક
જોકે, એક-બે દિવસથી થોડો ઉકળાટ હતો. વાતાવરણ વાદળછાયું હતું પરંતુ ઉકળાટની વચ્ચે મેઘરાજાએ એકવાર ફરી રિએન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઇ ગઇ છે. જોકે બીજી બાજુ શહેરમાં રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં ક્યાંક ઝાડા-ઉલટી ને શરદી-તાવના કેસો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે એકબાજુ આ વરસાદી માહોલમાં સાવચેતી રાખવાની પણ ખાસ જરૂરિયાત છે.
ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે: અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ આગાહી કરતા જણાવ્યું કે, ‘એકવાર ફરી ગુજરાતમાં તારીખ 6થી 8ના રોજ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 11 અને 12મી સપ્ટેમ્બરે રાજ્યમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેલી છે. 10 ઓક્ટોબરની આસપાસ પણ વરસાદ વરસી શકે છે. તેમજ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા પણ શરૂ થશે. નવરાત્રિના સમયમાં પણ જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી હોવાથી ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે.’