અમદાવાદમાં સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા તલવાર સાથે ટોળુ ધસી આવ્યું, પથ્થરમારો કર્યો

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે. જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરની કર્ણાવતી ક્લબ પાસે 40 લાખની લૂંટ થઈ તે પણ હજી ભેદ ઉકેલાયો નથી. ત્યારે ચાણક્યપુરીમાં આવેલી શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં ગઈકાલે મોડીરાતે સોસાયટીના ચેરમેને દારૂ અંગે ઠપકો આપતા ટપોરીઓ હથિયારો સાથે ઘૂસી ગયા અને આતંક મચાવ્યો હતો. તેમજ પથ્થરમારો કરતા લોકો ભયમાં મુકાઈ ગયા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી અનેવીડિયો પણ સામે આવ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ કરી છે. પરંતુ જ્યારે આ ઘટના બની ત્યારે રીતસર સોસાયટીના રહીશો ફફડી રહ્યા હતા.

સોસાયટીના એક રહીશને ઇજા પહોંચી

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, સોલા પાસે આવેલા ચાણક્યપુરીના શિવમ આર્કેડ એપાર્ટમેન્ટમાં મોડીરાતે બી 205 નંબરના ફ્લેટમાં કેટલાક લોકો શંકાસ્પદ હાલતમાં બહાર આવી રહ્યા હતા. જ્યારે તેમને જોઈને સોસાયટીના ચેરમેને તેમને રોક્યા અને તેમને પૂછતા તેઓ ઉશ્કેરાયા હતા અને ત્યાંથી જતા રહ્યા હતા. થોડીવાર બાદ ઉશ્કેરાયેલા શખસો પાછા આવ્યા ત્યારે તેમની સાથે તલવારો અને ધોકા જેવી વસ્તુઓ હતી. તેમણે બેફામ આતંક મચાવ્યો અને પથ્થરમારો કર્યો હતો. તેમજ તોડફોડ પણ કરી હતી. આ સમગ્ર આતંક ચાલી રહ્યો હતો તેમાં સોસાયટીના એક રહીશને ઇજા પણ પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે.

પોલીસ આવતા ટપોરીઓ ભાગી ગયા

આ બધું ચાલી રહ્યું હતું ત્યારે સોસાયટીના રહીશોએ ફ્લેટની અંદર જઈને તપાસ કરતા સોસાયટીમાં આ ફ્લેટની અંદર દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. આ સમગ્ર મામલે થોડા સમય બાદ પોલીસ આવી અને આ ટપોરીઓ ત્યાંથી ભાગી ગયા હતા. હાલ પોલીસે આ ધમાલ કરનાર યુવકો સામે ગુનો નોંધ્યો છે. પરંતુ મોડીરાતે બનેલી ઘટનાને કારણે સોસાયટીમાં હજી પણ ડરનો માહોલ છે.

ACP જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ગઈકાલે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક ઘટના બની હતી. જેમાં શિવમ આર્કેડ સોસાયટી છે તેમના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સોસાયટીમાં નીચે હાજર હતા. ત્યારે અજાણ્યા શખસો ત્યાંથી નીકળતા તેની પૂછપરછ કરી હતી. પરંતુ આ શખસો કોઈપણ જાતના જવાબ આપ્યા વગર ત્યાંથી જતા રહ્યા હતા. આથી વિષ્ણુભાઈને શંકા જતા વિશેષ પૂછપરછ કરી હતી. જો કે, આ અજાણ્યા શખસો ટોળા સાથે ધસી આવ્યા હતા અને સોસાયટીના ગેટ પર આવી આતંક મચાવ્યો હતો. પોલીસને જાણ થતા જ દોડી ગઈ હતી. આ બનાવમાં વિષ્ણુભાઈ ફરિયાદી છે અને 15 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 4 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ તેની તપાસ સોલા પોલીસ ચલાવી રહી છે.

ટોળું ભેગું કરી સોસાયટીના રહીશો પર હુમલો કર્યો

વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવમાં ચાર આરોપી છે તેમાં રવિ ઠાકોર, પરાગ ઠાકોર, મોન્ટુ ઠાકોર અને અર્જુન ઠાકોર છે. બીજા 11 અજાણ્યા શખસો હતા તે કોણ કોણ હતા તેની તપાસ સોલા પોલીસ કરી રહી છે. બનાવ પાછળનું કારણ આ સોસાયટીમાં બી 205 ફ્લેટમાં કંઈક અજુગતું લાગતા સોસાયટીના લોકોને શંકા ગઈ હતી. જેથી ચેરમેને તેની પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાયા હતા. ઉશ્કેરાયને ટોળુ ભેગું કરી સોસાયટીના રહીશો પર હુમલો કર્યો હતો. આ બનાવમાં હત્યાની કોશિશ, રાયોટિંગ, તોડફોડની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.