અમદાવાદના ચાંદખેડામાં ગઈકાલે રાતે ફિલ્મી દૃશ્યો જોવા મળ્યાં : ગાળો બોલવાની ના પાડતા થારમાંથી ઊતરી શખસે દુકાનદાર પર 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમદાવાદના ચાંદખેડામાં ગઈકાલે રાતે ફિલ્મી દૃશ્યો જોવા મળ્યાં.

ગાળો બોલવાની ના પાડતા થારમાંથી ઊતરી શખસે દુકાનદાર પર 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું.

અમદાવાદના ચાંદખેડામાં ગઈકાલે રાતે ફિલ્મી દૃશ્યો જોવા મળ્યાં હતાં. એક યુવક ગાડીમાંથી ઊતરી હાથમાં રિવોલ્વર લઈને અંધાધૂધ ફાયરિંગ કરી રહ્યો હતો. આ યુવકને ગાળો બોલતા રોકતા યુવકે થોડીવાર બાદ ફરીથી આવીને પાન પાર્લરના માલિક પર 4થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

5 વર્ષ અગાઉ તેમના પડોશમાં રહેતા સાથે રસ્તાની બાબતે ઝઘડો થયો.

ચાંદખેડા તપોવન સર્કલ ખાતે રહેતા ધર્મેશ ભરવાડ તપોવન સર્કલ પાસે જ પાન પાર્લર ચલાવે છે. 5 વર્ષ અગાઉ તેમના પડોશમાં રહેતા ચંદનસિંહ ચંપાવત અને તેના નાના ભાઈ સાથે રસ્તાની બાબતે ઝઘડો થયો હતો અને પોલીસ ફરિયાદ પણ થઈ હતી. જે મામલો અત્યારે કોર્ટમાં ચાલે છે. ગઈકાલે રાતે ધર્મેશભાઈ જમીને રાતે 10 વાગે પાન પાર્લર પર બેઠા હતા ત્યારે ગ્રાહકોની ભીડ હતી. આ સમય દરમિયાન હરિસિંહ ચંપાવત પણ ત્યાં આવ્યો હતો અને ગંદી ગાળો બોલી રહ્યો હતો.

હરિસિંહે ધર્મેશભાઈ પર કોઈ પણ વાતચીત કર્યા વિના રિવોલ્વર વડે આડેધડ ફાયરિંગ કરવા લાગ્યો

આ દરમિયાન ધર્મેશભાઈના કાકા નવઘણભાઈએ હરિસિંહને ગાળો બોલવાની ના પાડતાં હરિસિંહે નવઘણભાઈને ધક્કો મારી પાડી દીધા હતા. જેથી આસપાસના લોકો ભેગા થતાં હરિસિંહ ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ થોડીવારમાં હરિસિંહ ફરીથી ગાડી લઈને આવ્યો અને અન્ય યુવક તેની સાથે થાર ગાડી લઈને ત્યાં જ પરત આવ્યા હતા. ગાડીમાંથી નીચે ઊતરતા જ હરિસિંહે ધર્મેશભાઈ પર કોઈ પણ વાતચીત કર્યા વિના રિવોલ્વર વડે આડેધડ ફાયરિંગ કરવા લાગ્યો હતો. ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.

ફિલ્મની જેમ કોઈનો ડર ના હોય તે પ્રકારે આવ્યો

હરિસિંહ હાથમાં રિવોલ્વર લઈને આવ્યો તે સમયનો વીડિયો પણ સામે આવ્યો છે. ફિલ્મની જેમ કોઈનો ડર ના હોય તે પ્રકારે જાહેરમાં રિવોલ્વર લઈને આવેલા હરિસિંહે આમતેમ આંટાફેરા પણ માર્યા હતા. હાથમાં રિવોલ્વર હોવાથી કોઈ પાસે પણ જતું નહોતું. જોકે ફાયરિંગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અંગે ચાંદખેડા પોલીસે હરિસિંહ અને અન્ય ગાડી લઈને આવેલા કારચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગોધરામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન : દારુબંધીને લઈને સરકાર દંભ કરે છે, દારૂબંધી હટાવી દેવી જોઈએ.