અમદાવાદમાં ધોકા-તલવારો સાથે ધીંગાણું, VIDEO:ભુવલડી ગામમાં જમીન ખાલી કરાવવા બાબતે ટોળાએ આતંક મચાવ્યો, પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાઇવે પાસે આવેલા ભુવલડી ગામે જમીન ખાલી કરવવા મામલે આજે લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો, જેના વીડિયો સામે આવ્યા છે. જોકે આ મામલે હજુ સુધી કોઇ ફરિયાદ નોંધવામાં આવી નથી, પરંતુ વીડિયો સામે આવ્યા બાદ નિકોલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આ બબાલમાં કોણ હતું અને કેટલા લોકો મારામારી કરવા આવ્યા હતા અને કયા સંજોગોમાં આ માથાકૂટ થઈ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

મારામારી અને વાહનોમાં તોડફોડનો વીડિયો વાઇરલ પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સિંગરવા પાસે આવેલા ભુવલડી ગામમાં આજે જમીન ખાલી કરાવવા બાબતે મારામારી અને પથ્થરમારો થયો હોવાના વીડિયો સામે આવ્યા હતા. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો પોતાના હાથમાં તલવારો લઇને આવે છે અને તલવારો ત્યાં આવેલી ગાડીઓ પર પણ મારી હતી અને કેટલીક જગ્યાએ પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરતા હોય એવું દેખાઈ રહ્યું છે.

આ વીડિયો સામે આવ્યા બાદ આ માથાકૂટમાં કોણ કોણ સામેલ હતું અને કેટલા વાગ્યે આ ઘટના બની હતી અને કેટલા લોકો ભેગા થયા હતા એ દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે કાયદાકીય રીતે શું વિગત હતી એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જ્યારે આ સમગ્ર મામલે નિકોલ પોલીસ સુધી વાત પહોંચી હતી.

આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઇ વીએસ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ જગ્યાનો કબજો લેવા માટે કેટલા લોકો ગયા હતા, ત્યારે ગામના લોકોએ આ જગ્યા ગૌચરની હોવાનું કહીને હોબાળો કર્યો હતો અને ત્યાર બાદ તોડફોડ અને અન્ય બનાવો બન્યા હતા. જે અમારી સામે આવતા અમે આ અંગે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.