અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગધેડાવાળી ચાલીમાં ગઈકાલની રાત્રે કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે મારામારી થઈ હતી. બે જૂથ લાકડી, દંડા અને તલવારો વડે એકબીજા પર તૂટી પડ્યાં હતાં. આ સાથે જ ઘર અને વાહનો પણ સળગાવવામાં આવ્યાં હતાં. બન્ને જૂથો આમને-સામને આવી જતા ભારે તંગદિલી સર્જાઈ હતી. કાગડાપીઠ પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષે સામસામે 150થી વધુ લોકોનાં ટોળાં સામે ફરિયાદ નોંધી કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. અગાઉના ઝઘડાની અદાવત રાખી અને રાત્રે બંને જૂથ સામસામે આવી જતા મારામારી થઈ હતી. હાલ પોલીસે બંને જૂથના લોકોની ધરપકડ કરવા અંગેની તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ શહેરના જમાલપુર વિસ્તારમાં સુપ્રીમ હોટલ પાસે આવેલી ગધેડાવાળી ચાલીમાં કિન્નરોનું જૂથ રહે છે. દિનેશ નામના વ્યક્તિ સાથે ઝોયા નામના કિન્નરને શનિવારે સવારે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીના પગલે તેના સ્થાનિક લોકોનું ટોળું રાત્રે 10 વાગ્યાની આસપાસ હાથમાં ડંડા, લાકડી અને તલવાર લઈ આશિયાના બાનુ ઉર્ફે સલ્લુદેના ઘરની પાસે પહોંચ્યું હતું. જ્યાં હાજર અન્ય કિન્નરોની સાથે સ્થાનિક લોકોએ હાથમાં લાકડી અને ડંડા, તલવાર લઇ અને મારામારી કરી હતી. ત્યારબાદ કિન્નરોનું જૂથ પણ ભેગું થઈ ગયું હતું અને તેઓ પણ લાકડી અને ડંડા લઈ પહોંચ્યું હતું. જે બાદ બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી.
બંને જૂથો આમને-સામને આવી મારામારી કરતાં હતાં. તેમાં કોઈ વ્યક્તિએ હાથમાં જ્વલનશીલ પદાર્થ લઈ અને આશિયાના બાનુના ઘર અને તેના બુલેટ ઉપર નાખી સળગાવી દીધું હતું. મારામારી દરમિયાન આગચંપી કરવામાં આવતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી કાગડાપીઠ પોલીસ, દાણાપીઠ પોલીસ અને ગાયકવાડ પોલીસ એમ ત્રણેય પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સાથે જ ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી અને આગ બુઝાવી દીધી હતી. જો કે, સમગ્ર ઘર આગમાં બળીને ખાખ થઈ ગયું હતું.
ડીસીપી, એસીપી, પીઆઇ સહિતના પોલીસ કાફલાએ પણ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લીધી હતી. આખી રાત પોલીસે ગધેડાવાળી ચાલી અને પીરબાઈની ચાલીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. કાગડાપીઠ પોલીસે બંને પક્ષે સામસામે સલ્લુ આશિયાના દે, અવેજ શેખ, ઝોયા દે, ફેઝલ શેખ, સુલેમાન, નરેશ ચોહાણ, લક્ષ્મી અને શીતલ ફેઝલ સહિતના લોકો સામે ફરિયાદ નોંધી કેટલાક લોકોની અટકાયત કરી છે.