કોરોના વાઈરસની મહામારી સાથે સુરતમાં વધુ એક રોગ વકર્યો હોવાની માહીતી સામે આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. મ્યુકરમાઈકોસીસના સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલમાં 40 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીએ કોરોનાની સારવાર લીધાના દસ દિવસ બાદ એક પ્રકારનું ફંગસ જોવા મળે છે, જેને મ્યુકરમાઈકોસીસ કહે છે. વિદેશમાં મ્યુકરમાઈકોસીસની બિમારીને લીધે 50 ટકા મૃત્યુદર હતો. કિરણ હોસ્પિટલમાં 60 જેટલા દર્દીઓનું વેઇટિંગ છે. સારવાર લઈ રહેલા ચાલીસ જેટલા દર્દીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ અને અન્ય રાજ્યોના છે. આ બીમારીમાં દોઢ મહિનાની સારવાર લેવી પડે છે. પ્રતિદિવસ દર્દીને 6 જેટલા ઇન્જેક્શન આપવામાં આવે છે. પ્રત્યેક ઇન્જેક્શનની કિંમત પાંચથી સાત હજાર રૂપિયા જેટલી થાય છે. જેથી સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. આ બીમારીનું સૌથી વધુ જોખમ ડાયાબીટીસના દર્દીઓમાં રહેલું છે. આ બિમારીથી બચવા સૌથી વધુ સ્વચ્છતા રાખવી અને પૌષ્ટિક આહાર લેવો તે એકમાત્ર રામબાણ ઈલાજ છે. તેવું તબીબોનું કહેવું છે. અત્યાર સુધી મ્યુકરમાઇકોસીસના 200 જેટલા કેસ સામે આવી ચુક્યા છે.
કોરોનાનો કેર યથાવત્ છે ત્યાં હવે મ્યુકોરમાઇકોસિસે પણ માથું ઉંચકવાનું શરૂ કરી દીધું છે. અમદાવાદમાં જ છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં ૩૦થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર હેઠળ છે. હાલમાં અમદાવાદ સિવિલ ખાતે દરરોજના સરેરાશ ૩થી વધુ દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં વધારો થયો ત્યારથી ડિસેમ્બર સુધી મ્યુકોરમાઇકોસિસના ૧૨૫ દર્દીઓને અમદાવાદ સિવિલ ખાતે સારવાર આપવામં આવી હતી. આ પછી ફેબ્રુઆરી સુધી તેના માંડ ૧-૨ દર્દી આવ્યા હતા. પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ફરી એકવાર મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના પ્રમાણમાં વધારો થયો છે.
મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા દર્દીનો સી.ટી-સ્કેન અને એમ.આઇ.આર. કરાવી ઇન્ફેક્શનનું પ્રમાણ ચકાસવામાં આવે છે. આ ઉપરાંત ફંગસનું સેમ્પલ લઇ તેની બાયોપ્સી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાના રિપોર્ટના આધારે ફંગસ આંખ, નાક અને મગજ સહિતના શરીરના કયા-કયા ભાગમાં ફેલાઇ ચૂકી છે તેનું નિદાન કરવામાં આવે છે. ‘કોરોના થાય તો વિશેષ કરીને ડાયાબિટિસના દર્દીઓએ ડાયાબિટિસમાં વધારો ન થાય તેની વિશેષ તકેદારી રાખવી જોઇએ. કોરોનાની સારવાર બાદ ખાસ કરીને અનકન્ટ્રોલ્ડ ડાયાબિટિસના દર્દીઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તેમણે ખાસ કરીને નેઝલ હાઇજીન એટલે કે શરદી ન થાય તેનું તેમણે ધ્યાન રાખવું જોઇએ. આ પ્રકારના દર્દીઓમાં પ્રાથમિક લક્ષણ સાયનસનું ઇન્ફેક્શન હોય છે. સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેમાં ફંગલ ઇન્ફેક્શન થાય અને ત્યારબાદ તે ગતિ પકડે છે.કોરોનાનો દર્દી જ્યારે પણ સારવાર હેઠળ હોય કે સારવારમાંથી બહાર આવ્યો હોય તો શરદી કે સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેને હળવાશથી લેવું જોઇએ નહીં. બલ્કે તેણે તુરંત જ એક્સપર્ટની સલાહ લેવી જોઇએ. આ ઉપરાંત દર્દીને ઉપલા જડબામાં દુખવું, ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા, આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું, સાયનસના ઇન્ફેક્શન સાથે માથામાં અસહ્ય દુઃખાવો થવો, મોઢાના ભાગમાં સોજો આવવો જેવા કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત ઇએનટી સર્જનનો સંપર્ક કરવો જોઇએ. સામાન્ય રીતે કોરોનાથી સાજા થયાના બેથી ત્રણ સપ્તાહમાં મ્યુકોરમાઇકોસિસ થઇ શકે છે.