
અમદાવાદના આંબલી-બોપલ રોડ પર આજે(25 નવેમબર, 2024) સવારે રિપલ પંચાલ નામના યુવકે નશામાં ધૂત થઈ બેફામ રીતે પોતાની ઓડી કાર ચલાવી ચારથી પાંચ વાહનોને અડફેટે લીધાં હતા. આ ઓડી કારના ચાલકે પીક અવર્સમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત કરતા અન્ય લોકોમાં ડરનો માહોલ છવાયો છે.
અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાતા અટકી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે, કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો રહ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત સર્જનાર નબીરો રિપલ પંચાલ દારૂ પીવાની ટેવ ધરાવતો હોવાનું અને બે મહિના પહેલા પણ અમદાવાદ શહેરમાં તેની સામે ડ્રીક એન્ડ ડ્રાઈવનો કેસ થઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે, 24 નવેમ્બરના રોજ એસ.જી. હાઈ-વેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાઇક્લિંગ કરી રહેલા બે ડૉક્ટરોને અજાણ્યા કારચાલકે પૂરપાટ ઝડપે આવીને ટક્કર મારી હતી. જોકે, કારચાલક ટક્કર મારીને નાસી ગયો હતો.
આ અકસ્માતમાં ભોગ બનનાર રોનિકા પાટિલે જણાવ્યું હતું કે, મારી ઓફિસ બોપલ-આંબલી રોડ પર હોવાથી હું સવારે અહીં આવી રહી હતી. ત્યારે આગળ જઈ રહેલા ઓડી કારના ચાલકે ટક્કર મારતા હું ડિવાઈડર પર પડી ગઈ હતી. જે બાદ મને ઢસડીને આગળ લઈ ગયા હતા. એ ભાઈ એટલા નશાની હાલતમાં હતા કે એમને કંઈ ખબર પડતી નહોતી. જે બાદ ઓડી કારના ચાલકને હોશ આવતા તેણે કારમાં અંદર બેસીને સિગારેટ પીધી હતી. જે બાદ ફરી કાર ચલાવી ટાટા મોટર્સ પાસે અન્ય વાહનોને ટક્કર મારી હતી.
આરોપી પોતાની ઓડી કાર લઈને ઈસ્કોન બ્રિજથી આંબલી તરફ જઈ રહ્યો હતો ત્યારે સૌ પ્રથમ તેને રસ્તામાં હેરિયર કારને ટક્કર મારી હતી. ત્યારબાદ આગળ જઈ રહેલા ટેમ્પોને ટક્કર મારતા ટેમ્પો અન્ય એક કાર સાથે અથડાયો હતો. તેનાથી આગળ ઓડી કારના ચાલકે ટાટા મોટર્સના શો રૂમ પાસે એક નેક્સન કારને ટક્કર મારી ડિવાઈડર સાથે ટકરાતા કાર ઊભી રહી ગઈ હતી.
ચિક્કાર નશો કરી ટ્રાફિકથી ધમધમતા આંબલી-બોપલ માર્ગ પર અકસ્માત સર્જનાર કારના ચાલકનું નામ રિપલ પંચાલ હોવાનું સામે આવ્યું છે. જે થલતેજ વિસ્તારમાં રહે છે. કારનો ચાલક એટલો બધો નશામાં હતો કે, ચારથી પાંચ વાહનોને અડફેટે લીધા બાદ પણ કારમાં જ બેસીને સિગારેટના દમ મારતો રહ્યો હતો. અકસ્માતની પોલીસને જાણ થતાં અંતે પોલીસ કારના ચાલકને લઈ ગઈ હતી.