અમદાવાદ-દાહોદ નેશનલ હાઇવે પર ટ્રાવેલ્સ-ટ્રેલર વચ્ચે અકસ્માત:ભથવાડા ટોલનાકા પાસે ટ્રેલરે બ્રેક મારતા બસ ધડાકાભેર ટકરાઈ, 11 મુસાફરો ઘાયલ

આજરોજ(24 ડિસેમ્બર) વહેલી પરોઢે અમદાવાદ-દાહોદ નેશનલ હાઇવે પર સંતરોડ નજીકમાં આવેલા ભથવાડા ટોલનાકા પાસે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સ અને એક ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલ્સમાં સવાર 25થી વધુ મુસાફરો પૈકી 11 મુસાફરોને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગોધરા ફાયર બ્રિગેડના જવાનોએ ટ્રાવેલ્સમાં ફસાઈ ગયેલા મુસાફરોનું રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે 11 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડ્રાઇવરની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ભથવાડા ટોલનાકા પાસે ટ્રાવેલ્સની આગળ ચાલી રહેલા ટ્રેલરચાલકે બ્રેક મારતા ટ્રાવેલ્સ ધડાકાભેર ટ્રેલર સાથે અથડાઈ હતી. જેમાં ટ્રાવેલ્સના આગળના ભાગના ફુરચે ફુરચા ઊડી ગયા હતા અને ડ્રાઇવર સહિત 25થી વધુ મુસાફરો ટ્રાવેલ્સમાં ફસાઈ ગયા હતા. એ દરમિયાન ઓફ ડ્યૂટીમાં દાહોદ ગયેલા ફાયર બ્રિગેડના ક્રિષ્ના સોલંકી, રિસી ગુર્જર અને રાજ રાઠવાને ભથવાડા ટોલનાકા પાસે અકસ્માત થયાની જાણ થઈ હતી. જેથી તેઓએ તાત્કાલિક પહોંચી ટ્રાવેલ્સમાં ફસાયેલ 25થી વધુ મુસાફરોનું રેસ્ક્યૂ કરી 108 એમ્બુલન્સ મારફતે 11 મુસાફરોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. જ્યારે ડ્રાઇવરની હાલત અત્યંત ગંભીર હોવાના કારણે તેઓને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલ ટ્રાવેલ્સમાં એક પ્રેગ્નન્ટ મહિલા પણ હતી. જેમને ફાયર બ્રિગેડના ક્રિષ્ના સોલંકીએ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી ટ્રાવેલ્સમાંથી બહાર કાઢ્યા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં આ ટ્રેલર જ્યારે ભથવાડા ટોલનાકા પરથી પસાર થયું હતું તે વખતના CCTV વીડિયો સામે આવ્યા છે.

ઈજાગ્રસ્તોનાં નામ

1.દીપક વિક્રમલાલ શર્મા દેવાસ ઉજ્જૈન એમપી

2.સપના રાકેશ મગવાની બેરાગઢ ભોપાલ એમપી

3.જાગૃત વિવેકભાઈ રાય ભવડિયા તલા ભોપાલ એમપી

4.રામકુમાર લાલારાવ યાદવ કરમસદ આણંદ

5.રાજાકમલ કિશોર ઈવને કરમસદ આણંદ

6.પ્રહલાદ રામરાવ વાળબંદે હુજુર ભોપાલ એમપી

7.અજય વિશ્વકર્મા ડ્રાઇવર

8.રાઠોડ ફેજલ ફિરોજ આજવા વડોદરા

9.સૌરભદાસ દુર્ગાદાસ ખોખરા મણિનગર અમદાવાદ

10.રાકેશ કૈલાસ સલાક ખોખરા મણિનગર અમદાવાદ

11.અરુંધતી વિકાસદીપ તિવારી સાઉથ ભોપાલ