અમદાવાદ,
અમદાવાદ શહેરમાં ચાની કીટલીઓ પર પેપર કપ વાપરવા પર પ્રતિબંધ મામલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહીના આદેશનો ફિયાસ્કો થયો છે. પરંતુ તંત્રની પેપર કપ પર પ્રતિબંધની જાહેરાત બાદ હવે કેટલાક ચા સ્ટોલના ધારકોએ પેપર કપ વાપરવાનું સંપૂર્ણ પણે બંધ કરી દીધું છે. હવે ચાની કીટલીઓ ઉપર કુલ્લડ અને વેફર કપનો વપરાશ થઈ રહ્યો છે. પેપર કપ ઉપર પ્રતિબંધને કેટલાક ચાના કીટલી ધારકો સારો નિર્ણય પણ ગણાવી રહ્યા છે. તેઓ હવે કુલ્લડમાં ચા આપી રહ્યાં છે. જોકે આ નિર્ણયના કારણે ચા થોડી મોંઘી પણ બની ગઈ છે. ચાની કીટલી અને લારીઓ પર કાચના ગ્લાસ અને પવાલીમાં ચાનો ભાવ જુનો જ છે, પરંતુ જો કુલ્લડ કે વેફર કપમાં ચા પીવો તો ૫ રૂપિયા વધારે ચૂકવવા પડે છે.
શહેરમાં પેપર કપ પ્રતિબંધ બાદ હવે કુલડમાં ચા આપવાની શરૂઆત થઈ છે, તો કેટલીક જગ્યાએ ફરી કાચના ગ્લાસ જોવા મળી રહ્યા છે. જોકે હવે કુલ્લડ અને વેફર કપમાં ચા આપવાની શરૂઆત થઈ છે. કુલ્લડ અને વેફર કપમાં મળતી ચાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ૧૦ રૂપિયામાં મળતી ચાના હવે લોકોએ ૧૫ રૂપિયા ચુકવવા પડે છે.
આ અંગે આસ્ટોડિયા વિસ્તારમાં આવેલી ‘ન્યું લકી ટી સ્ટોલ’ નામની દુકાન ચલાવતા જણાવ્યું હતું કે, પેપર કપ ઉપર પ્રતિબંધ બાદ હવે કુલ્લડ અને વેફર કપમાં ચા આપવામાં આવી રહી છે. લોકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાના ભાવમાં થોડો વધારો કરવામાં આવ્યો છે. કાચના ગ્લાસ અને પવાલીમાં જુના ભાવમાં જ ચા આપવામાં આવી રહી છે, પરંતુ કુલ્લડમાં રૂપિયા ૧૫ અને વેફર કપમાં રૂપિયા ૧૬ ભાવ કરી દેવામાં આવ્યો છે. પાર્સલ ચા લઈ જતાં લોકોને રૂપિયા ૧૫ની ચામાં બે કુલ્લડ જ સાથે આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેને અમે આવકારીએ છીએ. પેપર કપ ઉપર જે પ્રતિબંધ મૂક્યો છે. તે નિર્ણય યોગ્ય લેવામાં આવ્યો છે. તેના કારણે ગંદકી સહિત અનેક પ્રશ્ર્નો ઉભા થાય છે. વેફર કપને પણ સારો પ્રતિસાદ મળ્યો છે, વેફર કપમાં ચા આપવામાં આવે છે તેને ૨૦ મિનિટમાં પી જવાની હોય છે. મુંબઈથી સ્પેશિયલ વેફર કપ મંગાવવામાં આવ્યા છે. લોકો વેફર કપ પણ સાથે લઈ જાય છે. પેપર કપ ઉપર પ્રતિબંધના કારણે હવે કુલ્લડ ફરીથી ચા માટે બજારમાં આવ્યા છે, ત્યારે ચાનો ભાવ પણ વધી ગયો છે. ૧૦ રૂપિયાની ચા હવે ૧૫ રૂપિયામાં વેચાઈ રહી છે.