અમદાવાદ કોંગ્રેસમાં વિરોધના સૂર: એએમસીમાં વિપક્ષનેતા બદલવા ૧૦ કોર્પોરેટરોની ગુપ્ત બેઠક

અમદાવાદ,

ગુજરાત કોંગ્રેસમાં અનેક વાર આંતરિક જુથવાદ સામે આવતો હોય છે. જોકે હાલમાં અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશના વિપક્ષ નેતા ની પસંદગીને લઈ ખાનગી બેઠકોનો દોર શરૂ થયો છે. વાત જાણે એમ છે કે, એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની એક વર્ષની ટર્મ આવતીકાલે એટલે કે ૧૧ જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહી છે. જેને લઈ હવે અમદાવાદ વિપક્ષ નેતા બદલવા માંગ ઊભી થઈ છે. આ તરફ કોંગ્રેસના કોર્પોરેટરોની એક ખાનગી બેઠક પણ મળી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનની ૨૦૨૧માં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપના ૧૬૦ અને કોંગ્રેસના ૨૪ કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા. આ દરમ્યાન લાંબા સમય બાદ કોંગ્રેસ દ્વારા વિપક્ષ નેતા તરીકે દાણીલીમડાના કોર્પોરેટર શહેઝાદ પઠાણ ની જાહેરાત કરી હતી. જોકે એ વખતે પણ કોંગ્રેસના કોર્પોરેટરોમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. જે બાદમાં કોંગ્રેસના સિનિયર નેતાઓ અને નારાજ કોર્પોરેટરો વચ્ચે મિટિંગ યોજાઇ હતી. જેમાં વિપક્ષના નેતા તરીકે ૧-૧ વર્ષ માટે કોઈપણ કોર્પોરેટરને મૂકવામાં આવશે તેવી લેખિતમાં બાહેંધરી આપી હતી.

વિપક્ષ નેતા તરીકે શહેઝાદ પઠાણ નું એક વર્ષ આવતીકાલે એટલે કે ૧૧ જાન્યુઆરીએ પૂર્ણ થશે. જોકે હવે એએમસીમાં વિપક્ષ નેતા કોણ બનશે તેને લઈ અટકળોનો દોર શરૂ થયો છે. તો વળી આ તરફ નારાજ કોર્પોરેટરો ની પણ એક ગુપ્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજશ્રી કેસરી, નીરવ બક્ષી, હાજી મિર્ઝા, ઇકબાલ શેખ, કમળાબેન ચાવડા, કામિની બેન, ઝુલ્ફી માધુરી બેન કલાપી અને તાલીમ તિમઝી સહિતના કોર્પોરેટરો હાજર રહ્યા હતા.

મહત્વનું છે કે, જામનગરમાં કોંગ્રેસમાં પણ વિપક્ષ નેતા બદલાતા હવે અમદાવાદમાં પણ વિપક્ષ નેતા બદલવા માગ ઊભી થઈ છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે શહેઝાદ પઠાણ ને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા ત્યારે પણ કોર્પોરેટરો એ તેમનો વિરોધ કર્યો હતો. જોકે હવે આવતીકાલે તેમની ટર્મ પૂરી થતું હોઇ હવે નવો વિપક્ષ ચહેરો કોણ હશે તે જોવાનું રહ્યું.

Don`t copy text!