અમદાબાદ,
એએમસી સ્કૂલ બોર્ડનું વર્ષ ૨૦૨૩-૨૪નું ડ્રાટ બજેટ આજે રજુ કરવામાં આવ્યું હતું. જેમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સ, સ્કૂલોના રિનોવેશન, કન્યા કેળવણી વગેરે પર ભાર મુકવામાં આવ્યો હતો. આ બજેટમાં સ્કૂલોના રિનોવેશન પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવશે. તે ઉપરાંત કોર્પોરેશનની સ્કૂલમાં વધુ બાળકો પ્રવેશ મેળવે તેના માટે પણ અલગ રકમની ફાળવણી કરવામાં આવશે.
એએમસી સ્કૂલ બોર્ડના શાશનાધિકારી ડો. લગધિર દેસાઈએ રૂપિયા ૧,૦૬૭ કરોડનું બજેટ આજે રજૂ કર્યું હતું. આ બજેટમાં સ્કૂલોના રિનોવેશન પાછળ ૨૩ કરોડ, બાળકોના પ્રવેશ માટે ૨૨ કરોડ તેમજ સ્કૂલોના અપગ્રેડેશન પાછળ ૨૦ કરોડનો ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં રૂપિયા ૧,૦૬૭ કરોડમાં રૂપિયા ૭૩૬.૨૭ કરોડ સરકારી ગ્રાન્ટ અને રૂપિયા ૩૩૦.૭૩ કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્રાન્ટ મળશે. જે પૈકી ૮૮.૭૪ ટકા એટલે કે રૂપિયા ૯૪૬.૮૩ કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડમાં હાલમાં ૪૬૯ જેટલી શાળાઓ પાંચ માધ્યમ કાર્યરત છે, જેમાં ૧,૬૬,૯૫૮ વિદ્યાર્થીઓને ૪,૧૦૫ શિક્ષકો દ્વારા શિક્ષણ અપાય છે. બેગલેસ શિક્ષણ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ગ્યાસપુર ભાઠા અને ચાંદલોડિયા પ્રાથમિક શાળાના ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રિ-વોકેશનલ તાલિમ શરૂ કરવામાં આવશે. આ પ્રિ-વોકેશનલ તાલિમ માટે થનારા ખર્ચના નાણાં શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા રૂપિયા૧૨,૦૦૦ સીધા જ શાળાઓના ખાતામાં જમા કરવામાં આવશે.