એમસીએના ભાજપ- વિપક્ષના ૨૩ કોર્પોરેટરોએ લાખોનું બજેટ વાપર્યું જ નથી

અમદાવાદ, એએમસી દ્વારા શહેરના તમામ ઝોનમાં માળાખાકીય સુવિધાઓનો ઝડપથી વિકાસ થઈ શકે અને નાગરિકોને પાણી, ગટર, રસ્તા, પેવર, સ્ટ્રીટલાઈટ, વગેરે જેવી પાયાની સુવિધાઓ મેળવવામાં કોઈ હાલાકીનો સામનો કરવો ન પડે તે હેતુસર એએમસી કોર્પોરેટરોને દર વર્ષે રૂ. ૪૦ લાખનું બજેટ ફાળવવામાં આવે છે.એએમસીના શાસક અને વિપક્ષના ૨૩ જેટલા કોર્પોરેટરો તેમને ફાળવાયેલ બજેટનો વપરાશ કરવામાં ઉદાસીનતા દાખવતા હોવાનું જાણવા મળે છે. કાઉન્સિલર બજેટ નહીં વાપરનારાઓમાં મ્યુનિ. ભાજપ નેતાનો પણ સમાવેશ થાય છે.એએમસી ભાજપ નેતા ગૌરાંગ પ્રજાપતિએ તેમને ફાળવાયેલ બજેટમાંથી અંદાજે રૂ. ૧૫.૮૪ લાખની રકમ વાપરી જ નથી.

ગોતાના ભાજપના કોર્પોરેટર અજય દેસાઈએ સૌથી વધુ રકમ એટલે કે રૂ. ૨૬. ૪૬ લાખની રકમનો પ્રજાના કામો માટે ઉપયોગ કર્યો નથી. જ્યારે દરિયાપુરના વિપક્ષના કોર્પોરેટર માધુરી કલાપીએ રૂ. ૨૩.૧૫ લાખની રકમ પ્રજાના કામો માટે વાપરી જ નથી. આમ, મ્યુનિ. કોર્પોરેટરોએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં કાઉન્સિલર બજેટની રકમમાંથી ૨૫થી ૫૦ ટકા જેટલી રકમનો વપરાશ જ કર્યો નથી. આમ, કેટલાંક મ્યુનિ. કાઉન્સિલરો તેમની આળસ કે અણઆવડતને કારણે તેને ફાળવાયેલ બજેટનો પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે ઉપયોગ કરતા ન હોવાનું જાણવા મળે છે.

જયારે મોટાભાગના કોર્પોરેટરોએ બજેટની ૧૦૦ ટકા રકમનો ઉપયોગ કરે છે.ભાજપ અને વિપક્ષના કેતન પટેલ, ચેતના પટેલ, સુહાના મન્સુરી, જમના વેગડા, રાજેશ ઠાકોર, કંચન રાદડિયા, વાસંતી પટેલ, ચંદ્રકાન્ત ચૌહાણ, મિતલ મકવાણા સહિત કેટલાંક કોર્પોરેટરોએ બજેટનો ઉપયોગ નહીં કરવાને કારણે તે રકમ વણવપરાયેલી પડી રહી છે.

મ્યુનિ. કોર્પોરેટરોને વોર્ડમાં પ્રજાલક્ષી કામો માટે દર વર્ષે રૂા.૪૦ લાખનું બજેટ આપવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂા. ૪૦ લાખના બજેટ ઉપરાંત ૧૦ ટકા વધારાનું બજેટ આપવામાં આવે છે એટલેકે રૂ. ૪૦ લાખને બદલે તેઓ ૪૪ લાખ સુધી પ્રજાકિય કામો માટે નાણાંનો ઉપયોગ કરી શકે છે. પરંતુ ભાજપના અને વિપક્ષના કેટલાક કોર્પોરેટરોએ બજેટની રકમ મુદત પૂર્ણ થઈ હોવા છતાં તેમના મતદારો માટે બજેટનો ઉપયોગ કર્યો જ નથી.

આમ, ભાજપ અને વિપક્ષના કોર્પોરેટરો પોતાના વોર્ડમાં જ પોતાના મતદારો માટે ફાળવેલા બજેટનો યોગ્ય ઉપયોગ કરતાં ન હોવાનું જોવા મળે છે. જ્યારે ચૂંટણીના આ સમયે મતદારોને રિઝવવા માટે હાથ જોડે છે.