એએમસી અધિકારીઓની મિલીભગતને અટકાવવા એસ્ટેટ વિભાગ પર રાખશે ચાંપતી નજર!

અ.મ્યુ.કો.માં આસિસ્ટન્ટ ટીડીઓ ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયા બાદ એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને અટકાવવા વિભાગની કામગીરીમાં ફેરફાર કર્યા છે. માહિતી મુજબ હવે એસ્ટેટ વિભાગના અધિકારીઓને પોતાના વોર્ડ કે ઝોનમાં નાગરિકો સાથે સીધો સંપર્ક કરી કામગીરી કરી શકશે નહીં. એસ્ટેટ વિભાગ દ્વારા બિલ્ડિંગોને આપવામાં આવતી વિકાસ પરવાનગી (બીયુ પરમિશન) માટે હવે જે તે સંબંધિત વોર્ડની જગ્યાએ અન્ય ઝોનના એન્જિનિયરિંગ કે એસ્ટેટ વિભાગના આસી. સિટી ઈજનેર, આસી. ઈજનેર, ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવશે.

અમદાવાદના એસ્ટેટ વિભાગની કામગીરીને લઈને મ્યુનિસિપલ કમિશનર અવારનવાર અધિકારીઓને કડક સૂચના આપતા હતાં, તેમ છતાં કામગીરી થતી નથી. અધિકારીઓ વિભાગમાં બેફામ રીતે ભ્રષ્ટાચાર અને મિલીભગત કરી કૌભાંડો આચરતા હતાં. જેના પગલે હવે એસ્ટેટ અને ટીડીઓ વિભાગમાં ક્યાંય પણ લોકો સીધી રીતે અધિકારીઓ સાથે સંપર્કમાં ન આવે તે માટે કામગીરીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગના અધિકારીઓની ફાળવણી પણ ખાનગી રીતે ડ્રો દ્વારા કરાશે. એટલું જ નહીં, બિલ્ડિંગની બીયુ પરમિશન માટે કયા સ્થળ તપાસ કરવાની કે કયા અધિકારીએ ક્યાં જવાનું વગેરેની માહિતી આઇટી રેડની જેમ બંધ કવરમાં આપવામાં આવશે, જેથી કોઈપણ અધિકારી પહેલાથી જાણી ન શકે કે કઈ જગ્યાએ ચેકિંગ કરવા જવાનું છે.

અમદાવાદમાં રોડ ઉપર વધતા જતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા દરેક ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે એસ્ટેટ-ટી.ડી.ઓ. દબાણ, સ્કીમ અમલીકરણ, સ્ટ્રીટ વેન્ડર, બી.યુ. પરમિશન, હાઉસિંગ મકાનની ફાળવણી, બિન અધિકૃત બાંધકામો, જાહેરખબર વગેરે કામગીરીને મુખ્ય પ્રાથમિક્તા આપી ઝોનલ રિવ્યુ કરવાની રહેશે.

દરેક ઝોનમાં એસ્ટેટ વિભાગની ઓફિસમાં રોજબરોજની કામગીરી માટે રૂબરૂમાં આવતા અરજદારો તેમજ નાગરિકોની અરજી સ્વીકારવા નોડલ ઓફિસર તરીકે પીઆરઓની નિમણૂક કરવાની રહેશે. ઓફિસમાં આવતાં અરજદારો અથવા વાંધા અરજદારો વોર્ડ અધિકારીઓનો સીધો સંપર્ક કરે નહીં અને નોડલ ઓફિસર તરીકે જનસંપર્ક અધિકારી સમક્ષ જ રજૂઆત કરી શકશે.

દરેક ઝોનમાં એસ્ટેટ વિભાગની ઓફિસમાં શું ગતિવિધિ થઈ રહી છે તેના પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. સીસીટીવી કેમેરા લાગેલા છે, તે ચાલુ છે કે નહીં? તે અંગે યોગ્ય કાર્યવાહી કરી દરરોજ સીસીટીવી કેમેરા મારફતે અધિકારીએ મોનિટરિંગ કરવાનું રહેશે. રાજ્ય સરકારના ઈ-સરકાર મોડ્યુલ સાથે સંલગ્ન થઈ શકે તેવુ પોર્ટલ બનાવવામાં આવશે. જેમાં ડેશબોર્ડ સાથે રિપોર્ટ અને રિવ્યુ સિસ્ટમ ગોઠવવામાં આવશે. દર મહિને ક્રોસ વેરિફિકેશન કરી કેસોનો નિકાલ કરવામાં આવશે.