અંબાણી પરિવારના લગ્નમાં દાહોદવાસી મિતુલ શેઠ અને ગોપાલ ભટ્ટને ઉપસ્થિતીની તક મળી

ભારત જ નહીં, સમસ્ત વિશ્વમાં સૌથી વધુ ગાજેલા અંબાણી પરિવારના લગ્નમાં દેશ-વિદેશના ધર્મ, રાજકારણ, સમાજ સેવા, ફિલ્મ, રમતગમત સહિતના જે તે ક્ષેત્રના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ લગ્નમાં દાહોદે પણ પોતાની હાજરી પુરાવી હતી. હા, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં મંગળોત્સવ નામે રિસેપ્શનમાં અન્ય ક્ષેત્રના જાણીતા ચહેરાઓની સાથે રિલાયન્સના અનેક સિનિયર અધિકારીઓને પણ નિમંત્રણ હતું. જેમાં ભરૂચ ખાતે રિલાયન્સમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે બિરાજમાન મિતુલ શેઠ અને મુંબઈ યુનિટના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત ગોપાલ ભટ્ટને ઉપસ્થિત રહેવાની તક મળી હતી. આ બંને દાહોદવાસી મિત્રોએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ‘આવા અવસર થકી તેમને જીવનનો એક અદ્ભુત લ્હાવો મળ્યો હતો.

જેમાં એક દિવસ સ્નેહ સંમેલન, બીજે દિવસે આશીર્વાદ સમારોહ, ત્રીજા દિવસે મંગળ ઉત્સવ એમ અલગ અલગ પ્રકારન રિસેપ્શન અંતર્ગત તે લોકોને મંગળ ઉત્સવ નામે શીર્ષક હેઠળ આયોજીત આશીર્વાદ સમારંભમાં ઉપસ્થિત રહેવાનું થયું હતું. જેમાં તેઓ અનેક જાણીતી પ્રતિભાઓને મળ્યા હતા અને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આ જાહોજલાલીભર્યા લગ્નનો લ્હાવો માણ્યો હતો. વિશ્વભરમાં જેની નોંધ લેવાઈ તેવા આ ઝાકઝમાળભર્યાં લગ્નમાં પણ બે દાહોદવાસીઓને સજોડે ઉપસ્થિત રહેવાની તક મળી તે ગૌરવની વાત તો ખરી જ!