અંબાજીમાં ડિમોલિશન મુદ્દે MLA અને SP વચ્ચે બોલાચાલી:કાંતિ ખરાડીએ કહ્યું- …તો અમે મંત્રીઓને પ્રવેશવા નહી દઇએ, SPએ કહ્યું- ધમકી આપો છો? તો હું મારી રીતે કાર્યવાહી કરીશ

યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. રબારીવાસમાં છેલ્લા આઠ-દસ દિવસથી 89 જેટલા અસરગ્રસ્તો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે.આ મામલે આજે કોંગ્રેસના નેતાઓએ મુલાકાત લીધી હતી.આ મામલે પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલીમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈપણ મંત્રીને અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

રબારીવાસમાં અસરગ્રસ્તોની સ્થિતિનો કોંગ્રેસે તાગ મેળવ્યો અંબાજીમાં રબારીવાસમાં છેલ્લા કેટલાક દિવસથી અસરગ્રસ્તો બહાર ખુલ્લામાં રહે છે. આમ મામલે કોંગ્રેસના નેતાઓ સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, કાંતિભાઈ ખરાડી અને લાલજીભાઈ દેસાઈ સહિતના નેતાઓએ અસરગ્રસ્તોની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા અને દાંતા પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા. અધિકારીઓએ અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો આપવાની બાંહેધરી આપી હતી.

જોકે, આ વાતચીત દરમિયાન ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ઉશ્કેરાટમાં આવીને જાહેર કર્યું કે જો અસરગ્રસ્તોને યોગ્ય વ્યવસ્થા નહીં મળે તો કોઈપણ મંત્રીને યાત્રાધામ અંબાજીમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. આ નિવેદન બાદ એસપીએ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ધારાસભ્યને આવી ભાષાનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું હતું, જેના કારણે બંને વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. જોકે આવતીકાલે પરિક્રમા મહોત્સવ યોજાનાર છે. આ ઘટનાએ વહીવટી તંત્રની ચિંતા વધારી છે. ઉલ્લેખનીય છે કે, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અગાઉ પણ જિલ્લા પોલીસ વડા સામે આક્ષેપો કરી ચૂક્યા છે.