- આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ
- બોલ મારી અંબે જય જય અંબેના નાદથી માર્ગો ગૂંજી ઉઠ્યા
- માં અંબાના દર્શન કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ
- 4 દિવસમાં 20,34,322 ભક્તોએ શીશ નમાવ્યું
આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે. ભાદરવી પૂનમના મેળાને લઇ માઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલ મારી અંબે જય જય અંબેના નાદથી અંબાજીના માર્ગો ગૂંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. દાતાથી અંબાજી જતાં 20 કિલોમીટર પહોડી વિસ્તારોમાં પણ ભક્તો ભક્તિના રંગે રંગાઇને બોલ મારી અંબે જય જય અંબે નાદ સાથે થાક્યા વિના આગળ વધી રહ્યા છે. દાતાથી અંબાજીનો માર્ગ જેમાં અનેક ઢાળવાળા રસ્તાઓ આવેલા છે ત્રિશુળિયા ઘાટનો માર્ગ પસાર કરવો પગપાળા આવતા ભક્તો માટે કઠિન હોય છે, પરંતુ ભક્તોમાં માતાજીના ધામમાં પહોંચવા માટેનો એટલો ઉત્સાહ છે કે તેમને થાક પણ લાગતું નથી અને નાચતા-ગાતા માતાજીના રથ સાથે ભક્તો સતત આગળ વધી રહ્યા છે.
4 દિવસમાં 20,34,322 ભક્તોએ શીશ નમાવ્યું
ભક્તોની ભારે ભીડને લઇ બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર સમગ્ર મેળાના સંચાલન પર નજર રાખી રહ્યા છે. કોઈ પણ વ્યક્તિને તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. અંબાજી ખાતે 4 દિવસમાં 20,34,322 ભક્તોએ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે.
ચોથા દિવસે 7 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
ચોથા દિવસની વાત કરીએ તો ખાલી ચોથા દિવસે જ 7 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે અને 58,601 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે. તો ચોથા દિવસે 3,18,370 મોહનથાળ પ્રસાદના પેકેટનું અને 9,741 ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ચોથા દિવસે 1,44,500 ભક્તોએ બસમાં મુસાફરી કરી છે. ચોથા દિવસે 551 મંદિર શિખર પર ધજા ચડાવાઈ છે. ચોથા દિવસે ગબ્બર પર 8302 લોકોએ ઉડન ખટોલાનો ઉપયોગ કર્યો છે. મેળા દરમિયાન 35 લાખથી વધુ ભક્તો દર્શન માટે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે. ચોથા દિવસે કુલ 1,26,45,673ની આવક થઈ છે.