
અંબાજી, અંબાજી મંદિરમાં ઘી સેમ્પલ ફેલ થવા મામલે મોહિની કેટરર્સના ચાર કર્મચારીઓને જામીન મળ્યા છે. મોહિની કેટરર્સના એમડીએ આ બાબતે નિવેદન આપતા અને નીલકંઠ ટ્રેડર્સ પર આક્ષેપ કરતા કહ્યું કે અમે કશું ખોટુ કર્યું નથી, અમે જીએસટીની પ્રક્રિયા બધી જ પુરી કરી છે.
મોહિની કેટરર્સના મેનેજિંગ ડાયરેકટર કુલદીપસિંહ ચાવડાએ જણાવ્યું કે, છેલ્લા ૫ વર્ષથી અંબાજીમાં મોહનથાળ બનાવવાનું કામ કરીએ છીએ. દર વખતે સારી ડેરીઓમાંથી ઘીના ડબ્બા મંગાવવીએ છીએ. નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘીના સિલ પેક ડબ્બા મંગાવ્યા હતા. ઘીની ડિલિવરી ઇન્સ્યોરન્સ સાથે અને ઇન્સ્યોરન્સ વગરમાં ભાવ ફરક હોય છે. ઈન્સ્યોરન્સના કારણે ભાવમાં ૫૦૦થી ૧૦૦૦ રૂપિયાનો ફરક હોય છે. તેમણે કહ્યું કે, અમે તમામ ઘી બીલ અને જીએસટી બીલથી ખરીદ્યું છે.
વધુમાં કુલદીપસિંહ ચાવડાએ કહ્યું કે, નીલકંઠ ટ્રેડર્સ છેતરપિંડી કરી હોવાથી તેની ઉપર અમે કેસ કર્યો છે. નીલકંઠ ટ્રેડર્સના કારણે અમારી પ્રતિષ્ઠા ખરડાઈ છે. અમે નીકકંઠ ટ્રેડર્સ ઉપર માનહાનીનો કેસ કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા મોહિની એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જેના સેમ્પલ ફેલ થયા હતા. જે બાદ તપાસ હાથ ધરાતા તેમણે અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદેલું હોવાનું ખુલ્યું હતું. જે બાદ નીલકંઠ ટ્રેડર્સમાં એએમસીના ફૂડ વિભાગે તપાસ બાદ કાર્યવાહીના ભાગ રૂપે સીલ માર્યું છે. તો બીજી તરફ મોહિની કેટરર્સના ૪ કર્મચારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. જેમને આજે જામીન પર મુક્ત કરાયા છે