- હવેથી અંબાજી મંદિરમાં નહીં મળે મોહનથાળનો પ્રસાદ
- સોમનાથમાં અપાતી ચીકી જ હવે ભક્તોને અપાશે: કલેક્ટર
- મોહનથાળ બંધ કરાતા ભક્તજનોમાં જોવા મળ્યો ઉગ્ર રોષ
ગુજરાતના આધાસ્થાત એવાં અંબાજી મંદિરમાં પ્રસાદમાં અત્યાર સુધી મોહનથાળ આપવામાં આવતો હતો. પરંતુ હવે અચાનક તે બંધ કરી દેવાતા માઇ ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.હવેથી પ્રસાદમાં મોહનથાળ બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્રસાદમાં ચીકી આપવામાં આવશે. ઉતર ગુજરાતની જ કોઇ કોન્ટ્રાક્ટ એન્જસીને કામ સોંપવામાં આવ્યું છે. જે કોન્ટ્રાકટ એજન્સી સોમનાથ મંદિરને પણ ચીકીનો પ્રસાદ પૂરો પાડે છે. એ જ એજન્સી હવે અંબાજી મંદિરને પણ ચીકીનો પ્રસાદ પૂરો પાડશે.’
ચીકીના પ્રસાદ અંગે કલેક્ટરનું મહત્વનું નિવેદન
મંદિરમાં ચીકીનો પ્રસાદ રાખવાના નિર્ણય અંગે કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, ‘પ્રસાદ બદલવાને લઇ મંદિર સંચાલકોને અનેક રજૂઆત અને મંતવ્યો હતા. અનેક રજૂઆત અને મંતવ્યો બાદ મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે. ચીકીનો પ્રસાદ સૂકો હોવાથી ભક્તો 3 મહિના સુધી રાખી શકે છે.’
પ્રસાદને લઇને છેડાયો છે વિવાદ
અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગ્રામજનોએ પણ ઉગ્ર વિરોધ કર્યો છે. ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ છે. 48 કલાક બાદ પણ મોહનથાળ ફરી ચાલુ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી છે. તો ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પણ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાની માંગ કરી છે.
જાણો મોહનથાળનું મહત્વ શું?
- મોહનથાળના પ્રસાદની પ્રથા 500 વર્ષથી પણ જૂની
- મોહનથાળ જ માતાજીના પ્રસાદની આગવી ઓળખ
- મંદિરની સ્થાપના થઈ ત્યારથી છે પ્રસાદની પરંપરા
- મોહનથાળના પ્રસાદ સાથે વિશ્વભરમાં વસતા શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલી
- વર્ષોની પરંપરા મુજબ માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ બને છે
- ગ્રહણ હોય કે પછી મંદિર પ્રક્ષાલન ક્યારેય પ્રસાદની કામગીરી બંધ રહી નથી
- મોહનથાળના પ્રસાદમાં કોઈ કેમિકલ કે રંગ નાખવામાં આવતો નથી
- કેમિકલ અને રંગ વિના પ્રસાદ સ્વાદિષ્ટ બને છે
- પ્રસાદમાં ઘી અને ખાંડ હોવા છતાં કીડી ઉભરાતી નથી