શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વર્ષે હજારો ધજાઓ માં અંબાના મંદિરના શિખરે શ્રદ્ધાળુઓ દ્વારા શ્રદ્ધાનું પ્રતીક માનીને ચઢાવવામાં આવે છે. લોકોની આ શ્રદ્ધા અને આસ્થા ટકી રહે તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ મંદિરે ચઢતી ધજાઓને યાત્રિકોને વિનામૂલ્ય મંદિરના પ્રસાદ રૂપે આપવાનું નક્કી કર્યું હતું. જે ધજાઓ માતાજીના ચોકમાં નિ:શુલ્ક અપાતી હતી, પણ ત્યાર બાદ અંબાજી મંદિરે કોઈ શ્રદ્ધાળુ ઘરે બેઠા મંદિર ટ્રસ્ટને પોતાનું સરનામું મોકલી ધજા ઘરે બેઠા મંગાવવા માંગતો હશે તો તેને નિ:શુલ્ક ધજાનું પાર્સલ બનાવી કોઈ પણ સ્થળે ધજા મોકલવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આ ધજાઓ એને કુરિયર દ્વારા મોકલવામાં આવે છે તે કુરિયર ચાર્જ પણ યાત્રિકો પાસેથી લેવામાં આવતો નથી.
આ વ્યવસ્થા આગામી ભાદરવી પુનમ મેળા દરમિયાન સ્થગિત કરવામાં આવશે. જ્યારે અંબાજી મંદિરે ધજા લઈને આવતા યાત્રિકોને મંદિર બહાર ધજાના વધુ પૈસા ચૂકવવા ન પડે તે માટે હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ધજા ચઢાવવા માંગતા શ્રદ્ધાળુઓને ધજા પુરી પાડશે, જે નોમિનલ ચાર્જે ધજા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા વિધિ કરી યાત્રિકો અંબાજી મંદિરે ચઢાવી શકશે. આ ધજાઓ મંદિર ટ્રસ્ટ સખી મંડળમાં કામ કરતી નિરાધાર મહિલાઓ પાસે ખરીદવાનું આયોજન હાથ ધરશે.
આ વિશે અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીએ માહિતી આપતા જણાવ્યું કે, જોકે અંબાજીમાં આ ધજાઓ બનાવવાની કામગીરી શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં ચાલતા સખીમંડળના પ્રોજેક્ટ દ્વારા હાલ ધજા બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં નિરાધાર મહિલાઓ સવારે પોતાનું ઘરનું કામ પતાવી બપોરે આ ધજા બનાવવા પહોંચી જાય છે. તેમાં ૫, ૭અને ૧૧ મીટર જેટલી લાંબી ધજાઓ આ મહિલાઓ બનાવી રહી છે, ને તેને સુશોભિત પણ કરે છે. રોજની ૨૦ થી ૨૫ ધજાઓ આ મહિલાઓ બનાવી રહી છે. તેમણે હમણાં સુધી ૫૦૦ જેટલી ધજાઓ બનાવી એકત્રિત કરી છે. જે અંબાજી મંદિર ટ્રસ્ટ ધજાનું વેચાણ શરુ કરનાર છે તેઓ આ ધજા ખરીદી નિરાધાર મહિલાઓને સહયોગી બને તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.
હાલ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ મંદિરનો પ્રસાદ ઓનલાઇન વેચાણ પ્રક્રિયા હાથ ધરી છે તે રીતે માતાજીની ધજાઓ પણ નિ:શુલ્ક ઘરેબેઠા પહોંચાડી લોકોની આસ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે.
વિશ્ર્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં વિદેશોથી પણ ભક્તો આવે છે. ત્યારે ફરી એકવાર ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગઈકાલે યોજાયેલી એક મીટિંગમા જાહેરાત કરાઈ કે, ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે.