દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં જગત જનની મા અંબાનાં દર્શન કરવા અંબાજીમાં 25 લાખ ભક્તો માના દરબારમાં પહોંચતા હોય છે પરંતુ કોરોના મહામારીમાં આ વખતે ભાદરવી પૂનમનો મેળો ભરાયો નથી અને ભક્તોને મા અંબાનાં દર્શન કરવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થઈ શક્યું નથી.
અંબાજી મંદિરમાં ભક્તોને મંદિરમાં પ્રવેશ બંધી હોવાથી માતાજીનાં દર્શન ઑનલાઈન કરી શકાય તેવી સુવિધા કરવામાં આવી છે. કોરોના મહામારીથી મુક્તિ મળે તે માટે મંદિરમાં સહસ્ત્ર ચંડી યજ્ઞ ચાલી રહ્યો છે. મા અંબાજીનું મંદિર ભક્તો વગર સૂનું બન્યું છે.
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમનો મેળો રદ્દ કરાતા મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરાયું છે. ત્યારે લાખો શ્રદ્ધાળુઓને ઘરે બેઠા જ મંદિર ટ્રસ્ટ વિવિધ માધ્યમો દ્વારા ઑનલાઈન લાઈવ દર્શન કરાવી રહ્યું છે. જેમાં હમણાં સુધી 28 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓએ ઓનલાઇન દર્શનનો લાભ લીધો છે.
આમ તો અંબાજી મંદિર 4 સપ્ટેમ્બર સુધી બંધ રહેનાર હતું, પણ શ્રદ્ધાળુઓ લાગણીને ધ્યાનમાં રાખીને મંદિર આવતીકાલે 3 સપ્ટેમ્બરે ખોલી દેવાશે.
આમ, ભક્તો ફરી રાબેતા મુજબ દર્શનનો લાભ લઇ શકશે. એટલું જ નહિ, મંદિરના પ્રસાદ અને ભોજનશાળા પણ મંદિર ખૂલવાની સાથે ફરી શરૂ કરી દેવાશે. ગઈકાલે યજ્ઞના પૂજારીઓ દ્વારા માતાજીને ધજા પણ ચઢાવી હતી.