અંબાજી,
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પ્રસાદનો વિવાદ વકર્યો છે. આ વિવાદ વચ્ચે હવે ભાજપમાં પણ ભંગાણ થવાની શરૂઆત થઈ છે. અંબાજી ભાજપના ઉપપ્રમુખ સુનીલ બ્રહ્મભટ્ટે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું છે. છેલ્લા અઠવાડિયાથી મોહનથાળનો પ્રસાદ બંધ થવા પર ભાજપના કોઈપણ નેતા કે મંત્રીનું નિવેદન ન આવતા તેમણે રાજીનામુ ધરી દીધું છે. તો હવે અન્ય હોદ્દેદારો પણ રાજીનામા આપવાના મૂડમાં છે. મહત્વનું છે કે ભાજપે એપ્રિલ મહિનામાં ઘર-ઘર જોડો અભિયાનનું આયોજન કર્યું છે. જોકે તે પહેલા જ તૂટવાની શરૂઆત અંબાજીથી થઈ છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પ્રસાદ વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. તો અંબાજીમાં મોહનથાળના પ્રસાદના સ્થાને ચિક્કીના પ્રસાદનો નિર્ણય કરાતા ભૂદેવો સહિત દેશભરમાં ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણય સામે ભક્તો, નેતાઓ, ભૂદેવો સહિતના લોકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. તો મંદિરના સંચાલકો દ્વારા પણ પ્રસાદમાં હવે મોહનથાળના બદલે ચીકીનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો ભક્તોએ ચિક્કીના પ્રસાદનો વિરોધ કરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરી દીધો છે. બીજી તરફ તંત્રના આ નિર્ણય સામે ભૂદેવો પણ ગુસ્સે ભરાયા છે અને મોહનથાળના પ્રસાદ સાથે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ માં અંબાને ધરાવેલો મોહનથાળનો પ્રસાદ ભક્તો જિલ્લા કલેકટરને આપવાની તૈયારીમાં છે. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ બંધ કરાતા હવે અંબાજીમાં ભક્તો દ્વારા મોહનથાળનો પ્રસાદ શરૂ કરાયો છે.
ઉલ્લેખનિય છે કે યાત્રાધામ અંબાજીમાં દેશ-વિદેશમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને માતાને મોહનથાળનો પ્રસાદ ધરાવતા હોય છે. તો રાજ્યભરમાંથી પણ અંબાજીમાં માતાના દર્શન માટે ભક્તોનું સતત આગમન જોવા મળતું હોય છે, ત્યારે વર્ષોથી માતાને ધરાવાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા તમામ ભક્તો સહિત સંસ્થાઓ રોષે ભરાઈ છે. મા અંબાને વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે. મોહનથાળની પરંપરાને તોડી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા મા અંબાના ભક્તો નિરાશ થયા છે અને તંત્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.