અંબાજીના વેપારીઓમાં લુખ્ખાતત્વો સામે રોષ,વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી વિરોધ કર્યો

બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ અંબાજી. સામાન્ય રીતે અહીં રોજ હજારો દર્શનાર્થીઓની ચહેલ પહેલ રહેતી હોય છે. જોકે, આજે અહીં એક ચકલુ પણ નહીં ફરકે, કારણકે, આજે અંબાજીમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા અને વેપારીઓ દ્વારા આ બંધ પડાયો છે. અસામાજિક તત્વોના આતંક સામે અંબાજીમાં બંધ પડાયો છે. અંબાજી આસપાસના વિસ્તારોમાં રહેતા કેટલાક અસામાજિક તત્વો દ્વારા અંબાજીમાં મોબાઇલ ચોરીની ઘટનાઓ વધવા પામી છે. વોકિંગ કરવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને માર મારવામાં આવે છે અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જાય છે. બજારની દુકાનોને પણ આવા તત્ત્વો ટાર્ગેટ બનાવી રહ્યાં છે. આવી ઘટનાઓને પગલે અંબાજીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાની ફરિયાદ પણ સ્થાનિકો કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છેકે, સોમવારે મેડિકલની દુકાને લુખ્ખાતત્વોએ આતંક મચાવ્યો હતો. જોકે, આ મામલામાં પોલીસે હજુ સુધી માત્ર ૨ જ આરોપીની ધરપકડ કરી છે. હજુ બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. અંબાજીના વેપારીઓમાં તુખ્ખાતત્વો સામે ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. અવારનવાર અસામાજિક તત્વો વેપારીઓને હેરાન પરેશાન કરતા હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. જેને પગલે આજે અંબાજી બજારના વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો. અંબાજીના વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી કર્યો વિરોધ. અંબાજીના બજારની તમામ દુકાનો બંધ જોવા મળી હતી.

એક તરફ અંબાજીમાં સતત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ત્યારે બીજી તરફ આ પરિસ્થિતિ માટે અસામાજિક તત્ત્વોની સાથો સાથ પોલીસ પણ જવાબદાર હોવાનો આક્ષેપ સ્થાનિક વેપારીઓ લગાવી રહ્યાં છે. સ્થાનિક વેપારીઓનો આક્ષેપ છેકે, શક્તિપીઠ અંબાજીમાં છેલ્લા બે મહિનાથી પોલીસની કામગીરી સદંતર નિષ્ફળ રહી છે.