
વોશિગ્ટન,
ઈ-કોમર્સ કંપની એમેઝોન આગામી દિવસોમાં કર્મચારીઓની મોટાપાયે છટણીની તૈયારી કરી રહી છે. એક અંદાજ મુજબ, કંપની ૧૭,૦૦૦ થી વધુ કર્મચારીઓને પાણીચું પકડાવી દેશે. વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, એમેઝોનમાં ગયા વર્ષના નવેમ્બરથી છટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને નવેમ્બર મહિનામાં જ કંપની ૧૦,૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહી હતી, પરંતુ હવે જાન્યુઆરી સુધીમાં આ સંખ્યા વધી શકે છે. વધુ ૭ હજાર કર્મચારીઓની છટણી કરવાનું કંપની વિચારી રહી છે. કર્મચારીઓની છટણી કરવા અંગે હજુ સુધી એમેઝોન કંપની તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી. જ્યારે, સેલ્સફોર્સ ઇક્ધએ બુધવારે માહિતી આપી હતી કે, તે પણ કાપ મૂકવાની યોજના બનાવી રહી છે.
નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક મહિનામાં એમેઝોન કંપનીની ઝડપી વૃદ્ધિમાં ઘટાડો થયો છે, જેના કારણે હજારો કર્મચારીઓને નુક્સાન સહન કરવું પડી શકે છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, એમેઝોન કંપની ૧૦,૦૦૦થી વધુ કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે. એમેઝોન કંપની સમગ્ર વિશ્ર્વમાં દર વર્ષે ૧.૬ મિલિયનથી વધુ લોકોની ભરતી કરતી હોવાનુ માનવામાં આવે છે. કર્મચારીઓની છટણી માટે એમેઝોન કેટલાક યુનિટ પર ધ્યાન કેન્દ્રિત કકરી રહ્યું છે. માનવામાં આવે છે કે, વૉઇસ-સહાયક એલેક્સા અને તેના રિટેલ અને માનવ સંસાધન વિભાગમાંથી છટણી કરવામાં આવશે. જો કે હાલ આ અંગે એમેઝોન દ્વારા કોઈ જ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
એમેઝોનમાં કર્મચારીઓની છટણીની અગાઉ પણ જાહેરાત થઈ હતી. આ જાહેરાત બાદ એમેઝોન કંપનીના શેરમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો. કંપનીએ તેના લગભગ ૪૦ ટકા શેર ગુમાવ્યા છે. કંપનીનો શેર ૨.૪ ટકાના ઘટાડા સાથે ઇં૯૮.૩૮ પર ટ્રેડ થયો હતો. એમેઝોન સંભવિત આર્થિક મંદી વચ્ચે છટણીની જાહેરાત કરનાર પ્રથમ કંપની નથી.
અગાઉ, એલોન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યા પછી કંપનીના કર્મચારીઓમાં ૫૦ ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે જ ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ ૧૧૦૦૦ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.